પવનના લીધે તોફાની દરિયાએ પગડિયા માછીમારોની મુશ્કેલી વધારી દીધી છે

મુંદરા, તા. 15 : એક તરફ પવન - `વેસા ખણવા'નું નામ લેતો નથી, તો બીજીતરફ સૂસવાટા મારતા આ પવને દરિયામાંય તોફાન મચાવી દીધું છે. અત્યારે માછીમારી બંધ છે પણ કિનારે પગડિયા માછીમારો તૂટેલી આર્થિક સ્થિતિને થિગડાં મારવાના પ્રયાસરૂપે માછીમારી કરવા જાય છે. આ માછીમારોએ મહત્ત્વની વાત એ કરી કે અત્યાર સુધીનો `સમાલ' પવન બંધ થયો છે અને `ગાજુસ' પવન શરૂ થયો છે. પાણી નૂટશે એટલે કે ત્રીજ પછી વરસાદની શક્યતા છે. રહેમતુલા (અતા) ભટ્ટી અને ફકીરમામદના જણાવ્યા અનુસાર હવે બહારનો એટલે કે દક્ષિણ દિશાનો પવન શરૂ થયો છે. પરિણામે આ પવન વરસાદ ખેંચી લાવે. દરિયો કેટલો તોફાની છે તે વિગતે સમજાવતાં અતાએ જણાવ્યું કે, ગુડાગરા પાણીમાં ઊભા હોઇએ તો પાછળથી આવતું મોજું આખેઆખું આપણને ટપીને પડે. બાકી `ખુલે ધરિયે મેં ત તૂફાન લગો પ્યો આય...' મોજા તેજ પવનમાં ફાટી પડે છે. પરિણામે ફિણોટા પાણીથી દરિયો ભર્યો પડયો છે. ચોતરફ ટૂંકાં ટૂંકાં મોજાંથી દરિયો ઉપર-નીચે થઇ રહ્યો છે. પગડિયા માછીમારો કિનારે ઊભા રહીને પણ માછીમારી કરી શકતા નથી. 18મી જુલાઇથી દરિયાઇ નવું વર્ષ-નવાનારોજ આષાઢ વદ બીજ ને ગુરુવારથી શરૂ થશે અને વરસાદનું ત્રીજું નક્ષત્ર તા. 19-7ના પૂરું થશે. ત્યારબાદ તા. 20/7થી વરસાદનું ચોથું નક્ષત્ર પુષ્ય શરૂ થાય છે જે તા. 2/8 સુધી ચાલુ રહેશે. અત્યારે સૂસવાટા મારતા પવનોએ વનસ્પતિ સૃષ્ટિને ધમરોળી નાખી છે. ધૂળની ડમરીઓએ વાતાવરણને ધૂંધળું કરી નાખ્યું છે. વરસાદની આશામાં ધરતીપુત્રોએ આંખે છાજલી કરી આકાશ તરફ મીટ માંડી છે. જુલાઈ અડધો નીકળી ગયો તેથી ઉચાટ થાય તે સ્વાભાવિક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer