હાજીપીરના સિંગલપટ્ટી માર્ગ પર મીઠા પરિવહનકારોની જોહુકમી

દેશલપર (ગું), (તા. નખત્રાણાતા) :15 :?અહીં કચ્છના ઓલિયા હાજીપીરને સાંકળતો માર્ગ વર્ષોથી સિંગલપટ્ટી છે. અહીં દરરોજ અનેક યાત્રિકો પોતાના વાહનોથી યાત્રાએ આવે છે, પરંતુ અહીં આર્ચીયન કંપની દ્વારા મીઠાનું પરિવહન થાય છે. જે ટ્રકો નિયોમોનુસાર ઉપર તાડપત્રી બાંધતી નથી તેમજ સાઈડમાંથી આખા માર્ગ પર ચોતરફ મીઠું ઢોળાય છે જે ચોમાસામાં રસ્તાની આજુબાજુની જમીન ખારાશવાળી કરશે જે પર્યાવરણને નુકસાનકર્તા છે. આ સિંગલપટ્ટી માર્ગ હોવાથી મીઠું ભરેલી ટ્રકો નાના વાહનોને માર્ગ આપતી નથી અને દરરોજ ઝઘડાઓનું પ્રમાણ વધે છે. આથી જ્યાં સુધી માર્ગ પહોળો કરવામાં ન આવે ત્યાં સુધી ટ્રકો બંધ કરાવવા મુરૂ જૂથ ગ્રામ પંચાયતે વહીવટીતંત્રને રજૂઆત કરી છે. હાલ આ ટ્રકો મીઠું ભરવા જાય છે, ત્યારે વળતાં રસ્તાની સાઈડોમાં અનેક જગ્યાઓ મીઠું ઢોળાય છે. દેશલપર (ગું) ગામની બાજુમાં આવેલી સંત ભગતબાપા દ્વારા બનાવાયેલી વર્ષો જૂની ભગતવાળી તળાવળી પાસે મોટા પ્રમાણમાં મીઠું ઢોળાતાં જે સામાન્ય વરસાદમાં તળાવમાં ગયું છે. આ પર્યાવરણને ગંભીર નુકસાન કરતી અને નાના વાહનો પર જો હુકમી કરતી મીઠાની ટ્રકો પર રોક લગાવવાની માંગ મુરૂ જૂથ પંચાયતના સરપંચ આહીર વિરમભાઈએ તંત્રને લેખિત અરજી આપી કરી છે અને જરૂર પડયે ગાંધીચીંધ્યો માર્ગ અપનાવવાની પણ પત્રમાં ચીમકી ઉચારવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer