મિરજાપરની 108 ટીમે બાઉખાની મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી

ભુજ, તા. 15 : તા. 11 જુલાઈની મધરાત્રે મિરજાપર સ્થિત 108ની ટીમને રાત્રિના સમયે બાઉખા ગામથી અચાનક એમ્બ્યુલન્સ સહાય મગાતાં પહોંચી ગયેલી ટીમે પ્રસૂતા અને જન્મેલા બાળકને સારવાર આપી બચાવ્યા હતા. ઉસ્માનભાઈ દ્વારા તેમની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડતાં 108માં કોલ કરાતાં મિરજાપર સ્થિત 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક બાઉખા ગામ ખાતેના તેમના ઘરે પહોંચી તબીબી સારવાર આપી હતી. પરંતુ દુ:ખાવો વધુ થવાથી પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરવી પડી. ઈએમટી ભદ્રેશ પટોળિયાએ તાત્કાલિક અમદાવાદ સ્થિત 108ના તબીબ સાથે વાત કરીને પ્રસૂતિ કરાવી હતી. જન્મેલા બાળકના ધબકારા ઓછા હતા, તે રડતું પણ ના હતું. આથી શ્રી પટોળિયાએ સીપીઆર, બીવીએમ અને ઓ-2 તથા ઈંજેક્શનની ટ્રીટમેન્ટ બાળકને આપી તેનો જીવ બચાવી લીધો હતો. માતાને પણ પ્રસૂતિ દરમ્યાન વધારે પ્રમાણમાં લોહી વહી ગયું હતું તેથી સારવાર આપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉસ્માનભાઈએ ઈએમટી ભદ્રેશભાઈ તેમજ પાયલોટ હિરેન ચિત્રોડિયાનો આભાર માન્યો હતો, તેવું 108ના જિલ્લા વડા કમલેશ પઢિયારે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer