વાંકુની 700 ગાયને દુષ્કાળમાં બચાવવા દાતાઓના સહયોગે યુવા ટીમ સક્રિય

વાંકુ (તા. અબડાસા), તા. 5 : તાલુકાના આ ગામની 700 ગાયોને દુષ્કાળના કપરા કાળમાં બચાવવા આદર્શ નીરણ કેન્દ્રમાં ગ્રામજનો અને ગૌભક્તોએ નિર્ધાર કર્યો છે. બેથી ત્રણ વર્ષથી ગામની યુવા ટીમ સક્રિય છે. આ ગામે અગાઉ જ્યારે દુષ્કાળનો સમય હોય ત્યારે ગૌસેવા કરી છે. 25-30 વર્ષ પહેલાં વાંકુના અગ્રણી વડીલ નિરંજનભાઇ રૂપારેલ ગ્રામજનોના સહયોગથી નીરણ કેન્દ્ર ચલાવતા હતા. તે જ પ્રમાણે આ યુવા ટીમના ભૂપેન્દ્રભાઇ જોષી, લખધીરસિંહ જાડેજા, સરપંચ જુવાનસિંહ જાડેજા, ખેંગારજી સોઢા, વીરભદ્રસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલા, સુકેતુ ઠક્કર (શિક્ષક), જગદીશભાઇ ગોહિલ, રણુભા જી. જાડેજા, રામદેવસિંહ ઝાલા વિગેરે સંભાળી રહ્યા છે. વાંકુની ગાયો માટે મુંબઇ વસતા કોઠારાના વતની શેઠ પંકજભાઇ પલણ વરસોથી આજદિન સુધી જ્યારે પણ દુષ્કાળનો સમય આવે ત્યારે સૂકા તથા લીલાચારા અને હજારો રૂપિયા દાનમાં આપવાનું ચાલુમાં જ છે. અન્ય દાતા દીપકભાઇ વિશનજી શાહ તેમજ પૂંજા નરેશભાઇ?ખોના મૂળ વાંકુના વતની પણ દર વરસે વાંકુની ગાયો માટે મોટી રકમનો સહયોગ આપી રહ્યા છે. ચાલુ વરસે વડીલ નિરંજનભાઇ જાતે અને તેમના સાથે સંકળાયેલી સંસ્થા મંગલદાસ શિવજી દનાણી ચે. ટ્રસ્ટ-માધાપર, ટ્રક એસો.ના વડા નરેન્દ્રભાઈ મીરાણી-માધાપર, જીવન સંધ્યા (સુમરી રોહા)ના પ્રમુખ જેષ્ઠારામભાઇ પોપટ તરફથી પણ સૂકા ઘાસની ત્રણ ટ્રક પંજાબથી આવતી ગાડીઓ મોકલવામાં આવી છે. વાંકુના ગ્રામજનો, દરેક ખેડૂતો વાડીના બોરનું પાણી હોય તેવા સ્વેચ્છાએ દર વરસે ફંડની રકમ વાંકુ સેવા સમિતિને જમા કરાવી જાય છે, જે રકમ એકાદ લાખ થાય છે. વથાણ ચોકમાં લીલું અને સૂકું ઘાસ રૂા. પાંચથી છ હજારનું રોજ ગાયોને નીરવામાં આવે છે. ચાલુ વરસે દાતાઓના સહયોગથી રૂા. પાંચ લાખ જેટલી રકમ વાપરવામાં આવી છે તેમ હજુ પણ વાંકુ બહાર વસતા ગૌભક્ત દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ ચાલુ છે. આ કાર્ય વરસાદ થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેવું પશુ રાહત સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ જોષીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer