15 મહાજન વિહોણા ગામોમાં ચાલતા નીરણ કેન્દ્ર

15 મહાજન વિહોણા ગામોમાં ચાલતા નીરણ કેન્દ્ર
માંડવી, તા.15 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. ચેરિ. ટ્રસ્ટ સંસ્થા દ્વારા સતત સાતમા વર્ષે દાતાઓના સહયોગથી 150 દિવસ સુધી 15 ગામોની ગાયો માટે શરૂ કરેલા નીરણ કેન્દ્રો સારી રીતે ચાલી રહ્યા છે. આ અંગે ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી, લીલા ચારા પ્રો. ચેરમેન નવીનભાઈ બોરીચા વગેરે હોદ્દેદારોના જણાવ્યા અનુસાર જૂન માસ દરમ્યાન 15 મહાજન વગરના ગામોની 6000થી વધારે ગાય માતાને ગામેગામના પાદરમાં 150 દિવસ માટે ચલાવાઈ રહેલા લીલાચારા અભિયાનમાં રૂપિયા ઓગણીસ લાખથી વધારાના ખર્ચે 133 ગાડીઓ દ્વારા છ લાખ કિલો લીલી જુવાર મોકલવામાં આવી છે. જે આગામી જુલાઈ માસના અંત સુધી અથવા વરસાદના આગમન સુધી ચાલુ રહેશે. જૂન માસ દરમ્યાન લીલા ચારાના ભાવમાં ઉછાળો આવતાં ભાવ દોઢા થઈ જતાં ચેમ્બરનો રોજિંદો ખર્ચ રૂા. 50 હજારને બદલે 70થી 75 હજારનો થઈ રહ્યો છે, આથી બજેટમાં ગરબડ થઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. તેમ છતાં ગાય માતાના નસીબે દાતાઓનો સાથ મળી રહેશે તેવી ખાતરી વ્યક્ત કરાઈ હતી. જંગલમાં ક્યાંય ઘાસનું તણખલું પણ નથી. સવારે વથાણમાંથી જંગલમાં ચરવા જતી ગાયો સાંજે માત્ર પાણી પીને ભૂખથી ભાંભરતી કણસતી પરત ફરે છે. આવી હાલતમાં ચેમ્બરે મોકલાવેલો ચારો આંશિક રાહત છે એવું ગામેગામના લોકોએ જણાવ્યું હતું ને કહ્યું કે તમારા લીલા ચારા નીરણને કારણે અમારી ગાયો જીવી ગઈ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer