વરલીએ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બની અન્ય ગામોને રાહ ચીંધ્યો

વરલી, તા. 15 : આ ગામ સામાજિક સમરસતાનું ઉદાહરણ બનવા સાથે અન્ય ગામોને રાહ ચીંધતું બની રહ્યું છે. વરલી ગામના વડીલ ગંગુભાઇ ઉકાભાઇ મહેશ્વરી તેમજ તેમના પત્ની પમાબેન થોડાક દિવસો અગાઉ પાકિસ્તાનમાં આવેલા હિંગલાજ માતાજી તથા મતિયા દેવની યાત્રા કરી પરત આવ્યા. તેમનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું તેમજ એક જ પગંતમાં બેસીને સમૂહપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ત્રિકમભાઇ છાંગાએ ઉદ્બોધનમાં ધર્મ શું છે - સંસ્કૃતિ શું છે ? એ બાબતે સમજ આપી હતી. આ અવસરે સેવા સંગમ કુટિયાના મહંત જયંતીદાસ મહારાજ દ્વારા ગંગુભાઇનું સન્માન કરાયું હતું. અંજારથી ખીમજીભાઇ માતંગ, ગાંધીધામથી મહેશ્વરી કાનજી બાપા, ગામના સરપંચ બાબુભાઇ આહીર, પુંજાભાઇ આહીર, વંકાભાઇ રબારી, હિમતગિરિ ગોસ્વામી, મામદભાઇ કોલી, ડાયાભાઇ મહેશ્વરી, ગોવિંદભાઇ બરાડિયા, નારાણભાઇ મહેશ્વરી રાઘુભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વરલી ગામમાં નવરાત્રિ ઉત્સવ, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ, ગણેશ ચતુર્થી તેમજ લોલાડી માતાજીનો મેળો જેવા પ્રસંગો સમગ્ર ગ્રામજનો સાથે મળીને ઊજવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer