ભુજના વોર્ડ નં. 1માં ગટરનાં તૂટેલાં ઢાંકણાં અને ફ્રેમ કવર બદલવા નગરસેવકની માંગ

ભુજ, તા. 15 : શહેરના વોર્ડ નં. 1માં અલગ-અલગ વિસ્તારોમાં ગટરના ચેમ્બરના તૂટેલા ઢાંકણા અને ફ્રેમ કવર બદલાવા અંગે વિપક્ષી નગરસેવક દ્વારા સુધરાઇના મુખ્ય અધિકારીને રજૂઆત કરાઇ હતી. આ અંગે કાસમ સમા દ્વારા કરાયેલી રજૂઆત મુજબ છેલ્લા બે માસથી ફરિયાદ કરવામાં આવે છે, છતાં કામગીરી કરાતી નથી. સિમેન્ટ અને કાંકરી નથી તેવું જણાવાય છે. ઉપરાત કારોબારી ન મળતાં કોઇ નિર્ણય લેવાતો નથી એવું જણાવાય છે. આ અંગે પ્રમુખ, કારોબારી ચેરમેન પાસે પણ વારંવાર રજૂઆતો કરાઇ છે. વોર્ડ નં. 1માં ફિરદોશ કોલોની, રાહુલનગર, મોટાપીર રોડ, એકતા કેબલ સામે, સંજોગનગર શાળા નં. 16 પાસે, ધારાનગર, ઝમઝમ વિલા, મુસ્લિમ ચોકડી પાસેના વિસ્તારમાં અનેક જગ્યાએ ચેમ્બરનાં ઢાંકણાં અને ફ્રેમ કવરો તૂટેલા છે. વરસાદ નજીક છે ત્યારે ગટર લાઇનોમાં માટી અને રેતી ભરાઇ જશે તે પહેલાં આ કામગીરી કરવા માંગ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer