રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કલેકટરને 21 સૂત્રીય માંગપત્ર અર્પણ કર્યો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કલેકટરને  21 સૂત્રીય માંગપત્ર અર્પણ કર્યો
ભુજ, તા. 15 : ગત છઠ્ઠી જૂનના ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક રાષ્ટ્રીય મહાસંઘની મળેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સમગ્ર ભારતની સાથે કચ્છમાં પણ સોમવારે જિલ્લા કલેકટરને માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો બાબતે 21 સૂત્રીય માંગ પત્ર અર્પણ કરાયો હતો. કચ્છ કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં સ્વતંત્ર માધ્યમિક વિભાગનું ગઠન કરવું, કુલ્લ જીડીપીના 10 ટકાને બદલે 30 ટકા શિક્ષણ માટે ફાળવવા, કેન્દ્રના નિયમો અનુસાર દરેક રાજ્યમાં 6ઠ્ઠા અને સાતમા પગારપંચના એક સરખા નિયમો લાગુ કરવા, નવી પેન્શન યોજના બંધ કરી જૂની યોજના ફરીથી ચાલુ કરવી, માધ્યમિક આચાર્યો, શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી, શિક્ષકોના વેતન દરેક માસની પહેલી તારીખે ખાતામાં જમા કરવા, શિક્ષણનું વ્યાપારીકરણ રોકવું, સમગ્ર શિક્ષણમાં સરકારી અને અનુદાન મેળવતી શાળાઓમાં ભેદભાવ ટાળવો, સેવા નિવૃત્તિની ઉંમર એક સમાન 65 વર્ષ કરવી, શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યથી દૂર રાખવા, બઢતી પ્રક્રિયા સરળ બનાવવી સહિતના 21 સૂત્રીય માંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કચ્છના અધ્યક્ષ ખેતશીભાઇ ગજરા, મંત્રી રમેશભાઇ ગાગલ, હેમંતભાઇ જોશી, મૂળજીભાઇ ગઢવી સહિતના માધ્યમિક શિક્ષકો જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer