કેટલાક પ્રા. આ. કેન્દ્રમાં બે-બે તબીબ તો 20 હજાર લોકો માટેનું કેન્દ્ર ચાર્જમાં કેમ?

રવાપર (તા. નખત્રાણા) તા. 15 : હાલમાં ભરતી થયેલા તબીબોમાં એક પ્રા. આ. કેન્દ્રમાં બે-બે તબીબ તો 20 હજાર લોકોને આશીર્વાદરૂપ રવાપર પ્રા. આ. કેન્દ્ર ચાર્જમાં કેમ એવો સવાલ નખત્રાણા તા. પં.ના વિપક્ષી નેતાએ ઉઠાવી એમ.બી.બી.એસ. ડોકટર નીમવાની માંગ કરી હતી. રવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાંબા સમયની રજૂઆત છતાંયે એમબીબીએસ તબીબની નિમણૂંક ન કરાતાં રવાપર સરપંચ પુષ્પાબેન દિનકરભાઇ રૂપારેલ તા. પં. વિપક્ષી નેતા અશ્વિનભાઇ રૂપારેલ સહિત ગ્રામજનોએ વહેલી તકે તબીબની ફાળવણી કરવા જિલ્લા સહિત સંબંધિત તંત્રોને રજૂઆત કરી છે. આ પ્રશ્ને વિપક્ષી નેતા શ્રી રૂપારેલના જણાવ્યા અનુસાર તાલુકાની પીએસસીમાં બે બે તબીબોની નિમણૂંક કરાઇ છે. જ્યારે રવાપર ખાતે હાલે માત્ર ચાર્જ હેઠળ તબીબ ચાલી રહ્યા છે. આ પ્રશ્ને રજૂઆત છતાંય હાલની ભરતીમાં નિમણૂક ન કરાતાં ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે. રવાપર હાઇવેનું મુખ્ય મથક તેમજ 15 જેટલા ગામોનું સેન્ટર છે. હાલે પણ 100 જેટલી ઓ.પી.ડી. ધરાવતું સેન્ટર હોવા છતાં છેલ્લા 12 માસથી તબીબની નિમણૂક કરાઇ નથી. સ્થાનિકના તબીબ સ્વેચ્છાએ રાજીનામું આપતાં આ પી. એચ. સી. ફરી તબીબ ચાર્જ હેઠળની બની જવા પામી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer