આદિપુર-ગાંધીધામની શાળા આસપાસ આવારા તત્ત્વોના ત્રાસની વધતી જતી ફરિયાદ

ગાંધીધામ, તા. 15 : શિક્ષણનગરી આદિપુર તથા ગાંધીધામ શહેરમાં શાળા, કોલેજોની આસપાસ સવાર અને બપોરે આવારા તત્ત્વો અડિંગો જમાવીને બેઠા હોય છે. વિદ્યાર્થિનીઓની મસ્તી, મજાક, છેડતી સહિતના બનાવો બનતા હોય છે. ભૂતકાળમાં અહીં રોમિયો સ્કવોડે કડક કામગીરી કરતાં આવા તત્ત્વો અદૃશ્ય થઈ ગયાં હતાં, પરંતુ હવે આ તત્ત્વોએ માથું ઊંચક્યું હોવાનું જાણવા મળે છે. સમગ્ર જિલ્લામાં સૌથી વધુ કોલેજો શિક્ષણનગરી આદિપુરમાં આવેલી છે તેમજ અહીં અનેક શાળાઓ પણ છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. ત્યારે આવી શાળા અને કોલેજોની બહાર સવાર પડે અને આવારા તત્ત્વો આવીને અડિંગો જમાવીને ત્યાં બેસતાં હોય છે. આવા તત્ત્વો વિદ્યાર્થિનીઓની છેડતી કરતાં પણ ખચકાતા નથી. અગાઉ આવી ફરિયાદો થતાં રોમિયો સ્કવોડ અસ્તિત્વમાં આવી હતી. આ સ્કવોડે કડક કામગીરી કરતાં આવા તત્ત્વોમાં ભય ફેલાયો હતો. જાહેરમાં ઊઠબેસ, માફીપત્ર લખાવવું, તેમના પરિવારજનોને બોલાવવા વગેરેની કામગીરીથી આવા તત્ત્વો ઉપર કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સ્કવોડ અદૃશ્ય થઈ જતાં લુખ્ખા તત્ત્વો ફરી પાછા મેદાનમાં આવી ગયા છે. આવી જ પરિસ્થિતિ ગાંધીધામમાં પણ છે. શહેરની આદર્શ શાળા, ગુરુકુળ, પી.એન. અમરશી, એમ.પી. પટેલ કન્યા વિદ્યાલય, મોડર્ન, માઉન્ટ વગેરે શાળાઓની આસપાસ અમુક તત્ત્વો બેઠા જ રહેતા હોય છે. આવી શાળાઓની આસપાસ પોલીસ પેટ્રોલિંગ કરી અને આવા તત્ત્વોને બોધપાઠ શીખવાડે તો વિદ્યાર્થિનીઓને રાહત થાય તેમ છે. અગાઉ રોમિયો સ્કવોડ તમામ જગ્યાએ જતી હતી અને આ કામગીરી કરતી હતી, પરંતુ હાલમાં જે-તે પોલીસ મથકમાં બે-ત્રણ પોલીસ કર્મીઓને આવી કામગીરી સોંપાઈ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ આવી કામગીરી થતી નથી તે જુદી વાત છે. આવા તત્ત્વોને બોધપાઠ શીખવાડવા પોલીસે કામગીરી કરવી જોઈએ તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer