કુટુંબના 24 સદસ્ય એક છત નીચે ખુશખુશાલ

કુટુંબના 24 સદસ્ય એક છત નીચે ખુશખુશાલ
ગિરીશ એલ. જોષી દ્વારા - માતાના મઢ, તા. 10 : આજે કુટુંબની વ્યાખ્યા એટલે હું, પત્ની અને બાળકો જેવી રહી છે. ભયંકર મોંઘવારીમાં સંયુક્ત પરિવારના જેટલા ફાયદા છે, તેટલા ગેરફાયદાઓ પણ ગણાવાય છે, પરંતુ દેશદેવીના ધામમાં અહીં 24 સદસ્યો એક છત નીચે રાજીખુશીથી રહીને અનોખી મિશાલ પૂરી પાડી રહ્યા છે. આ યાત્રાધામ ખાતે મર્હૂમ ઓસમાણભાઈ અલીમામદભાઈ લંઘા (ખાવરા) પરિવાર સંયુક્ત કુટુંબ હોવાના નાતે ખ્યાતનામ છે. કુટુંબના મોભી એવા 78 વર્ષીય કમાબાઈ ઓસમાણ લંઘા તમામ સભ્યોની સંભાળ રાખે છે. આ પરિવારનો મુખ્ય વ્યવસાય શુભ પ્રસંગોમાં કચ્છ ઢોલ તેમજ શરણાઈ-નોબત વગાડવાનો છે. સાથે-સાથે તેઓ નોકરી, ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પુરુષોની સાથે-સાથે આ પરિવારની પુત્રવધૂ નાયદાબેન ટયૂશન કલાસ ચલાવે છે. તો મુસ્કાનબેન બ્યૂટીપાર્લર ઘરમાં ચલાવી પરિવારને મદદરૂપ થઈ ત્રીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. કમાબાઈની દેખરેખ હેઠળ ડાડીબેન ઘરનું સંચાલન કરે છે. ઘરના પુરુષો પોતાની આવક ડાડીબેનને સોંપે છે અને ડાડીબેન કુશળતાથી ઘર ચલાવી, આવકમાંથી બચત પણ કરે છે. 28 જણના આ પરિવારમાં 8 વહુ એક છત નીચે રહે છે અને કુટુંબીજનોના ચહેરા પર રોનક લઇ આવવાનું કામ આમદભાઇ લંઘા કરે છે. પરિવારના બીજા સદસ્ય રમજાન દાઉદ (છોટુભાઈ)એ જણાવ્યું હતું કે અમારો પરિવાર આ સાંપ્રત સમયમાં એકસાથે રહે છે તે મા આશાપુરાજીની મહેર છે. તેની અમારા પરિવાર પર અસીમ કૃપા હંમેશાં રહી છે. તેમના વડીલો ચાર પેઢી પહેલાં માતાના મઢ કામધંધા અર્થે આવ્યા હતા અને મઢ જાગીરના બ્રહ્મલીન અધ્યક્ષ પ્રેમજી રાજાએ  અમારા પરિવારને આશરો આપ્યો હતો અને માનાં મંદિરમાં નોબત, ઢોલ, શરણાઈ વગાડવાનું કામ કરતા. આજ પણ પરિવારના છોકરાઓ આરતી સમયે નોબત-ઢોલ વગાડે છે. આ પરિવારમાં રમજાનભાઈની સાથે હુસેનભાઈ, સાબેરાબેન હુસેન, આમદ ઓસમાણ, અમીનાબેન આમદ, દાઉદ ઓસમાણ, જલુબેન દાઉદ, જુસબ રમજાન, નાયદાબેન  જુસબ, મુસ્તાક રમજાન, યાસીનબેન મુસ્તાક, નદીમ હુસેન, આફરીન નદીમ, વસીમ રમજાન, કુલસુમ વસીમ, હાજરાબેન અદ્રેમાન, ફેઝલ અદ્રેમાન, નાવેદ હુસેન, સોહેબ આમદ, આતીફ દાઉદ, વાહીદ જુસબ, અદ્રેમાન જુસબ હળીમળીને રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરિવારના મર્હૂમ અલીમામદ સાલેમામદ તેમજ તેમના કાકાઈ ભાઈ મર્હૂમ ફકીરમામદ જુસબ બન્ને સંગીતના જાણકાર હતા. તેમના હાથ નીચે ઢોલ શીખી ઘણાએ ઉસ્તાદ બન્યા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કલ્યાણજી- આણંદજી સંગીતમાં ઢોલ પણ વગાડી ચૂક્યા છે. આખા કચ્છમાં આ બન્ને ભાઈને કચ્છી લંઘા સમાજના લોકો ઉસ્તાદોના ઉસ્તાદ માને છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer