મુંબઇમાં કચ્છી બિલ્ડરની 15મા માળેથી મોતની છલાંગ : આર્થિક ભીંસ જવાબદાર બની

મુંબઇમાં કચ્છી બિલ્ડરની 15મા માળેથી મોતની છલાંગ : આર્થિક ભીંસ જવાબદાર બની
મુંબઈ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : આજે બુધવારે બપોરે માટુંગામાં એક કચ્છી બિલ્ડરે તેમના 15મા માળના ફ્લેટમાંથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી.પોલીસે કહ્યું હતું કે મુકેશ નવીનચંદ્ર સાવલા (કચ્છ ગામ- રાયણ)એ બપોરે 3.15 વાગ્યાની આસપાસ ફ્લેટની ગેલેરીમાંથી નીચે છલાંગ મારી હતી. ઘટનાસ્થળેથી હજી સુધી કોઈ સ્યુસાઇટ નોટ મળી નથી. ઇન્ડિયન જીમખાનાની બાજુમાં આવેલા લક્ષ્મી નિકેતન બિલ્ડિંગના 15માં માળે તેઓ રહેતા હતા.પોલીસે કહ્યું હતું કે મુકેશ સાવલા આર્થિક ભીડમાં હતા અને તેને કારણે તેઓ સતત માનસિક તાણમાં રહેતા હતા. તેમણે નીચે છલાંગ મારી ત્યારે મોટો ધડાકો થયો હતો. બિલ્ડિંગના સલામતી રક્ષકો તરત જ તે તરફ ધસી ગયા હતા અને ત્યાં મુકેશ સાવલા લોહીમાં લથપથ પડેલા હતા. તેમને તરત જ સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડોકટરોએ તેમને મૃત ઘોષિત કર્યા  હતા. મુકેશ સાવલા માનસ ગ્રુપના સ્થાપક અને ડિરેક્ટર હતા. તેઓ જે બિલ્ડિંગમાં રહેતા હતા એ બિલ્ડિંગ તેમણે પોતે જ બનાવી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની હરજિત છે. હરજિત દિલ્હીની છે. મુકેશ સાવલા અંબેપદ્મા ડેવલપર્સના નામે ધંધો કરતા હતા. તેઓ નાના બિલ્ડર હતા. થોડા સમય પહેલાં તેઓ થાણાથી માટુંગા તબદીલ થયા હતા. મુકેશભાઈની તબિયત પણ છેલ્લા ઘણા સમયથી સારી રહેતી ન હતી અને એને લીધે છેલ્લાં બે-એક મહિનાથી ઘરની બહાર પણ નીકળતા ન હતા. ઉપરથી આર્થિક તકલીફને કારણે તેઓ વધુ પડતા માનસિક તાણમાં આવી ગયા હતા. સાયન હોસ્પિટલમાં તેમના મૃતદેહનું પોર્સ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને આવતીકાલે ગુરુવારે સવારે 11 વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળશે. સૂત્રોએ કહ્યું તેઓ નિ:સંતાન હતા અને તેમના મોટાભાગના પ્રોજેક્ટ માતાજીના નામે ચલાવતા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer