ભુજમાં લોકોએ પડકારતાં પેટ્રોલચોર ચોરાઉ બાઇક પડતી મૂકી પલાયન

ભુજમાં લોકોએ પડકારતાં પેટ્રોલચોર ચોરાઉ બાઇક પડતી મૂકી પલાયન
ભુજ, તા. 10 : શહેરમાં વિવિધ વિસ્તારમાંથી રાત્રિ દરમ્યાન ઘરના આંગણામાં કે બહારના ભાગે પાર્ક થયેલા વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરનારા શખ્સ માટે આજે પરોઢિયે ખોટનો સોદો થયો હતો. સંસ્કાર નગર વિસ્તારમાં આ તસ્કરને જાગૃત રહેવાસીઓએ પડકારતાં તે તેણે અગાઉ ચોરેલી બાઇક સ્થળ ઉપર પડતી મૂકીને ભાગી ગયો હતો. આજે પરોઢિયે ચારેક વાગ્યે બનેલા આ કિસ્સામાં બનાવના સ્થળેથી મૂકી જવાયેલી જી.જે. 12-એએચ-7744 નંબરની હિરો હોન્ડા બાઇક કબ્જે કરવામાં આવી છે. આ મોટર સાઇકલ ભુજના મનીષ ડાભીની હોવાનું અને થોડા દિવસો પહેલાં મુંદરા રિલોકેશન સાઇટથી તેમના ઘર બહારથી ચોરાયાનું અને આ વિશે પોલીસ દફતરે નોંધ પણ કરાવાઇ હોવાનું તપાસમાં સપાટીએ આવ્યું હતું. સત્તાવાર સાધનો પાસેથી મળેલી જાણકારી અનુસાર જુદીજુદી જગ્યાએથી ત્રિસેક લિટર પેટ્રોલ ચોરીને સંસ્કાર નગર ખાતે પંહોચેલો અજાણ્યો તસ્કર એક વાહનમાં નળી લગાડીને પેટ્રોલ કાઢી રહ્યો હતો ત્યારે રહેવાસીઓ દ્વારા તેને પડકારાયો હતો. જેના કારણે આ શખ્સ ભાગ્યો હતો. રહેવાસીઓએ તેનો પીછો પણ કર્યો હતો. પણ તે હાથમાં આવ્યો ન હતો. બાદમાં રહેવાસીઓ મનોજ સોની અને ભાવેશ ઠક્કરે પોલીસને જાણ કરતાં એ-ડિવિઝનના એચ.જી. જાડેજા સ્થાનિકે દોડી આવ્યા હતા. બાઇક ઉપર ટીંગાળાયેલા કેરબામાં ત્રિસેક લિટર ચોરાઉ પેટ્રોલ હોવાનું સપાટીએ આવ્યું હતું. રહેવાસીઓએ જણાવ્યું હતું કે સંસ્કાર નગરમાં અવારનવાર ચિભડ ચોરી જેવા આવા કિસ્સા બની રહ્યા છે. જેથી પેટ્રોલિંગ વધારવું જરૂરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer