લંડનમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ દ્વારા રથયાત્રા નીકળી

લંડનમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ દ્વારા રથયાત્રા નીકળી
અમદાવાદ, તા. 10 : અષાઢ સુદ બીજના સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં ગુરુકુળ પરિવાર-યુ.કે. દ્વારા રથયાત્રા મહોત્સવ ઊજવાયો હતો. લંડનના યુવાનોએ ભગવાનને વિહાર કરવા માટે રથને પુષ્પો, મોતી, ચાકળા અને ધજા-પતાકાના શણગાર કર્યા હતા. એસ.કે.એલ.પી.સી. નોર્થ હોલ્ટના વિશાળ મંચ પર બિરાજેલા ભગવાન જગન્નાથજીનું સ્વામીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કર્યું હતું. સંગીતની સુરાવલિઓ અને જયનાદ સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા. રથયાત્રામાં ભગવાન બહેન સુભદ્રાજી સંગાથે વિહાર કરતા હોવાથી રથમાં બિરાજેલા ભગવાનની પ્રથમ આરતી ભક્ત બહેનોએ કરી હતી. રથયાત્રાનો આરંભ કરાવતાં સ્વામીએ શ્રીફળ વધેરી નજર ઉતારી અને પરિહંદ વિધિ દ્વારા સેવકાઈ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા દરમ્યાન નાચ-ગાન કરીને ભક્તજનોએ ભગવાનને પ્રસન્ન કર્યા હતા. અંતિમ ચરણમાં સ્વામીજીએ ભગવાન જગન્નાથજીના દિવ્ય વિગ્રહના રહસ્યની કથાનું શ્રવણ કરાવ્યું હતું. રાધાજીના પ્રેમની કથાનું શ્રવણ કરી શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી પીગળવા લાગ્યા. આ સમયે પધારેલા નારદજીએ પ્રભુને આ સ્વરૂપે દર્શન આપવા વિનંતી કરતાં ભગવાન જગન્નાથપુરીમાં પ્રેમથી પીગળેલા સ્વરૂપે બિરાજિત થયા. સમાપન પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ ઠાકોરજીની આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બહેનો ભક્તોએ સુભદ્રા બહેનના પ્રેમને હૈયામાં ધારીને ભગવાનને હાથે રાખડી બાંધીને ભગવાનનું પૂજન કર્યું હતું. સૌ ભક્તજનોને મગ અને કાકડીનો પ્રસાદ અપાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer