રિએસેસમેન્ટ પરિણામોમાં વિલંબ નહીં ચાલે

રિએસેસમેન્ટ પરિણામોમાં વિલંબ નહીં ચાલે
ભુજ, તા. 10 : લાંબા સમયથી લટકેલો કચ્છની ત્રણ કોલેજોનો બી.એડ.માં પ્રવેશનો પ્રશ્ન, સવર્ણ આર્થિક નબળા વર્ગને અનામત સહિતના વિદ્યાર્થીઓના પ્રશ્ને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ યુનિવર્સિટી સામે ખુલ્લીને બહાર આવી ગઈ છે. આજે પરિષદે વિવિધ મુદ્દે આક્રોશભેર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો પાંચ દિવસમાં નિર્ણય નહીં આવે તો આંદોલનાત્મક કાર્યક્રમોની ચીમકી આપી હતી. કુલપતિ અને ઇ. રજિસ્ટ્રારની ગેરહાજરીમાં પરીક્ષા નિયામક તેજલ શેઠને પાઠવેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે રિએસેસમેન્ટ અને રિચેકિંગના બાકી પરિણામો તાત્કાલિક જાહેર કરવામાં આવે. રિએસેસમેન્ટ અને ચેકિંગ આડેધડ થતા હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. પત્રમાં વધુમાં કહેવાયું હતું કે, કેટલીક કોલેજો 2019ના વર્ષના છાત્રો સિવાયનાને પ્રવેશનો ઇન્કાર કરે છે જે નિયમની વિરુદ્ધ છે તેથી કાર્યવાહી કરવામાં આવે.વધુમાં બિનઅનામત વર્ગના આર્થિક નબળા છાત્રોને દસ ટકા ઇડબલ્યુએસ અનામત બી.એડ. સહિતના અભ્યાસક્રમો લાગુ ન કરવાના આક્ષેપ સાથે તાત્કાલિક નિરાકરણની માગણી કરી હતી એવું સંયોજક લાલજી આહીર અને કાર્યાલય મંત્રી યોગેશ સુથારે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer