કચ્છી રંગભૂમિને ધબકતી રાખવા યુવાનોનો `સાર્થ'' પ્રયાસ

કચ્છી રંગભૂમિને ધબકતી રાખવા યુવાનોનો `સાર્થ'' પ્રયાસ
ભુજ, તા. 10 : કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શહેરના યુવાનો દ્વારા બનાવાયેલા સાર્થ ગ્રુપે કચ્છી ભાષાના સંવર્ધન અર્થે કચ્છી નવાં વરસે શહેરના ટાઉનહોલ ખાતે કચ્છી રંગભૂમિને ધબકતી રાખવાના પ્રયાસરૂપે કચ્છી નાટક `ખલ ખલમેં ખટી વ્યાસીં'નું આયોજન કરાયું હતું જેને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કોલજના વિદ્યાર્થીઓ કોલેજમાં  અભ્યાસ કરે અને કોલેજ પૂરી થાય એટલે છૂટા પડે પણ આ યુવા વિદ્યાર્થીઓએ એક ગ્રુપ બનાવ્યું અને નક્કી કર્યું કે માત્ર મળીને વાતો કરવા કરતાં કંઈક  સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરીએ. આ ગ્રુપના નિલય ત્રિવેદી, દક્ષ દવે, ધર્મ અંતાણી, પ્રેક્ષા રાણા, જગતી વોરા, વિરંચી ગોર, યુતિ ધોળકિયા, સાગર ગોસ્વામી જેવા સક્રિય યુવાઓએ ગ્રુપ બનાવ્યું જેનું નામ આપ્યું `સાર્થ'. આ ગ્રુપે ગયા વરસે યુવા કવિ અંકિત ત્રિવેદીનું વક્તવ્ય ભુજમાં ગોઠવ્યું અને આ વર્ષે કચ્છી નવાં વર્ષે કચ્છી નાટક લઇને આવ્યું. શ્રી ગણેશ નાટક ગ્રુપ દ્વારા આ નાટક ભુજની રંગભૂમિના રંગકર્મીઓએ વ્યવસાયિક કલાકાર જેટલું જ અદ્ભુત રીતે રજૂ કર્યું. નાટકની કથા સામાજિક હતી. ગણેશ નાટક ગ્રુપ છેલ્લા બાર વર્ષથી ગુજરાતી નાટકોનો અનુવાદ કરી અને કચ્છી નાટક કચ્છના ખૂણે-ખૂણે ભજવીને કચ્છી ભાષાના સંવર્ધનનું કાર્ય કરી રહ્યું છે. આ ગ્રુપના કલાકારો રમેશ સોનપાર, પ્રકાશ ગોસ્વામી, રાજેશ દવે, નરેન ગોસ્વામી, કપિલ ગોસ્વામી, માનસી માણેક, પૂનમ ગોર, પૂજા જોશી, બિનીતા મકવાણા તમામ કલાકારોએ નાટકમાં અદ્ભુત અભિનય કરીને નાટકને અવલ્લ દરજે પહોંચાડ્યું. રિશી જોશી, રમેશ ગોહિલ સહાયક તરીકે રહ્યા હતા. નાટક કેવું છે એનો જો પુરાવો હોય તો તે એકમાત્ર દર્શકોની ઉપસ્થિતિ. આ સમગ્ર નાટક દરમિયાન ટાઉનહોલ ખીચોખીચ ભરાયેલો હતો અને નાટકના સમાપન સમયે પણ એટલા જ દર્શકો હતા, જે નાટકની સફળતા દર્શાવે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer