આચાર્ય ભરતીમાં ઉમેદવારોની નીરસતા

આચાર્ય ભરતીમાં ઉમેદવારોની નીરસતા
ભુજ, તા. 10 : કચ્છની 34 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના આચાર્યો માટે બુધવારે માધાપરની મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલા ભરતી મેળામાં ઓછી સંખ્યામાં હાજર રહી ઉમેદવારોએ નીરસતા બતાવી હતી.જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણતંત્ર દ્વારા હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયામાં 17 શાળામાંથી 14 શાળાના આચાર્યની પસંદગી કરવામાં આવી હતી અને તેમને સ્થળ?પર જ ઓર્ડર અપાયા હતા. જ્યારે ત્રણ શાળા માટે ઉમેદવારો હાજર રહ્યા નહોતા. બે દિવસ ચાલનારી ભરતી પ્રક્રિયા માટે અંદાજે 443 જેટલા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા, પરંતુ ભરતીના પ્રથમ દિવસે 100 કરતાંય ઓછા ઉમેદવારો હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આજની ભરતી પ્રક્રિયામાં છસરા, નખત્રાણા, નલિયા, ભચાઉ, સુથરી, ગઢશીશા, સેલારી, માંડવી, બિટ્ટા, મોટા આસંબિયા, ધાણેટી અને લાકડિયા ગામની શાળાઓ માટે આચાર્યોની પસંદગી કરાઇ હતી, જ્યારે લખપતના ભાદરા, મુંદરાના ભદ્રેશ્વર તથા અબડાસાના વાયોર ગામની શાળા માટે કોઇ ઉમેદવાર હાજર ન રહેતાં આ જગ્યા ખાલી રહેવા પામી છે. ઓછા ઉમેદવારો બાબતે ઉમેદવારોએ એકથી વધુ જગ્યાએ ફોર્મ ભર્યા હોય તેમ દૂરના સ્થળે જવા માગતા ન હોય તે કારણ પણ હોવાનું શિક્ષણતંત્રમાંથી જાણવા મળ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer