જી.કે.માં સરકારી તબીબોની મનમાની અને નિયમોની આંટીઘૂંટીથી પેન્શનરો પરેશાન

જી.કે.માં સરકારી તબીબોની મનમાની અને નિયમોની આંટીઘૂંટીથી પેન્શનરો પરેશાન
ભુજ, તા. 10 : અહીંની જી.કે. જનરલ હોસ્પિટલમાં બે સરકારી તબીબી અધિકારીઓની મનમાની અને નિયમોની આંટીઘૂંટી વચ્ચે બુઝુર્ગ પેન્શનરો પરેશાન બની ગયા છે. આ સરકારી તબીબી અધિકારીઓ પેન્શનરોના મેડિકલ બિલો રિએમ્બર્સ કરાવવા માટેના ફોર્મમાં સહી કરતા નથી તેવી લેખિત ફરિયાદ પેન્શનરોના પ્રતિનિધિમંડળે આજે સિવિલ સર્જનને કરતાં તેમની ફરિયાદ ઉચ્ચકક્ષાએ પહોંચાડવાની ધરપત અપાઇ હતી. અલબત્ત, અનેક પેન્શનરોના મેડિકલ બિલ અટક્યા છે ત્યારે હાલની આ સમસ્યાનો ઉકેલ પણ આવે એ જરૂરી છે. મેડિકલ ઓફિસર ડો. નરેન્દ્ર થ્વાઈટ 26 વર્ષથી અને એમ.ઓ. ડો. પરેશ મહેતા 20 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોવાથી મનમાની કરે છે. પોતાનું હિત જળવાતું હોય તેવા મેડિકલ બિલોમાં સહી કરે છે. અન્ય પેન્શનરોને અપમાનિત કરી કાઢી મૂકે છે અને મેડિકલ બિલોમાં સહી કરતા નથી. આવી હાલાકીને કારણે ડિસે. 2015માં પેન્શનર અરવિંદભાઇ ચૌહાણનું અપમૃત્યુ થયું હતું. આ બાબતને ગંભીરતાથી લઇ?અન્ય વરિષ્ઠ નાગરિક ભોગ ન બને તે જોવા યોગ્ય કાર્યવાહી કરવા, નકારાત્મક અભિગમ ધરાવતા આ અધિકારીઓને બદલવા તથા શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જે.જી. સોની, બી.પી. પટેલ, પ્રતાપભાઇ રૂપારેલ, પી.જી. ચૂડાસમા, શ્રીમતી એસ.જે. જોબનપુત્રા સહિતના 30 જેટલા પેન્શનરોની સહી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. મેડિકલ બિલમાં સહી ન કરવા માટે આ બંને તબીબ ઓગસ્ટ-2015ના એક સરકારના પરિપત્રનો હવાલો આપે છે, જેમાં તેમની કક્ષાના તબીબી અધિકારીની સહી જરૂરી ન હોવાનો ઉલ્લેખ છે. તો શું મેડિકલ રિએમ્બર્સ માટેના ફોર્મમાં તેમની સહીની જરૂર નથી ? તિજોરી વિભાગના માહિતગાર વર્તુળોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે, હા, આવો પરિપત્ર?છે એટલે તેઓ સાવ ખોટા નથી પણ?હવે જી.કે. હોસ્પિટલ સરકારે અદાણી જૂથને 99 વર્ષની લીઝ પર આપી દીધી છે ત્યારે આ હોસ્પિટલ પૂર્ણ સરકારી હોસ્પિટલ નથી અને મેડિકલ રિએમ્બર્સમેન્ટ માટેની સૂચિમાં તે `ગવર્નમેન્ટ એમ્પેલ્ડ' હોસ્પિટલ તરીકે છે માટે તેમણે સહી કરવી જોઇએ. આ બાબતે સિવિલ સર્જન ડો. કશ્યપભાઇ બૂચને પૂછતાં તેમણે જણાવ્યું કે, પેન્શનરોની રજૂઆત અધિક નિયામકને ગાંધીનગર અને પ્રાદેશિક અધિક નિયામક રાજકોટને પહોંચાડાશે. ડો. બૂચે બે તબીબોને ટાંકીને કહ્યું કે, પોસ્ટમોર્ટમ સહિતના કામના ભારણને કારણે સમય મળતો નથી. વધુ પાંચ ડોક્ટરની નિમણૂક કરાય તેવી માંગ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer