રામપર (વેકરા)માં જળસંચયનું અનોખું કાર્ય : સહોદરે બોર બનાવ્યા

રામપર (વેકરા)માં જળસંચયનું અનોખું કાર્ય : સહોદરે બોર બનાવ્યા
ગઢશીશા, તા. 10 (જિજ્ઞેશ આચાર્ય દ્વારા) : સમગ્ર કચ્છ જિલ્લો સમયાંતરે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરે છે અને પાણી બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, ત્યારે રાજ્ય સરકારે પણ થોડાં વર્ષો અગાઉ તમામ નદીઓ પર ચેકડેમોના નિર્માણ કરીને વહી જતા વરસાદી નીર જમીનમાં ઊતરે અને ભૂગર્ભજળની સપાટી ઊંચી આવે તે માટે ચિંતિત છે. ત્યારે રામપર વેકરામાં જળસંચયનું અભિયાન હાથ ધરાયું છે. માંડવી તાલુકાના પટેલ ચોવીસીના રામપર (વેકરા) ગામના સહોદર એવા લાલજીભાઈ કાનજી વેકરિયા (ઉપપ્રમુખ માંડવી તાલુકા ભાજપ) તથા તેમના નાના બંધુ રવજીભાઈ કાનજી વેકરિયા દ્વારા જે જગ્યાએ વરસાદી જળસંગ્રહ થાય છે તેવી સરકારી પડતર જમીનમાં સ્વખર્ચે (અંદાજિત રૂા. 82000ના ખર્ચે) પાણી જમીનમાં ઊતરે તે હેતુથી 350થી પણ વધારે ફૂટ ઊંડા બે પાણીના બોર બનાવ્યા છે અને તેની આજુબાજુ કાંકરી, સિમેન્ટ જેવું બનાવી વરસાદી નીર સ્વચ્છ થઈ જમીનમાં ઊતરે તેવો પ્રકલ્પ બનાવાયો છે. ખરેખર ખેડૂતો અને જાગૃત લોકો આવા પ્રકલ્પો સરકારી પડતર જમીન તથા વરસાદી જળસ્રાવ પાસે કરે તો જમીનમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઊતરે અને તેનાથી જળસપાટી ઊંચી આવી શકે છે, તેવું આગેવાનોએ ઉમેર્યું હતું. આ માટે લાલજીભાઈ કાનજી વેકરિયા તથા રવજીભાઈ કાનજી વેકરિયાએ લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે. આ પ્રકલ્પ માટે પૂર્વ સરપંચ જાદવા કાનજી હીરાણી, વાલજી દેવજી કેરાઈ, ધનજી દેવજી કેરાઈ, કેશરા રૂડા વેકરિયા, કિશોર લાલજી વેકરિયા, પ્રેમજી કલ્યાણ ગોરસિયા, જેન્તીલાલ રવજી વેકરિયા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer