ભુજ આવેલા નાયબ નિયામક પાસે થોકબંધ ફરિયાદ રજૂ

ભુજ આવેલા નાયબ નિયામક પાસે થોકબંધ ફરિયાદ રજૂ
ભુજ, તા. 10 : શહેરમાં ચાલતા અને થયેલા વિકાસ કામોમાં ઊઠેલી ફરિયાદોને પગલે આજે નાયબ નિયામક તિલક શાસ્ત્રીએ ભુજ સુધરાઇની મુલાકાત લઇ હકીકત જાણવા પ્રયાશ કર્યો હતો. આ અંગે શ્રી શાસ્ત્રીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, પ્રાદેશિક નિયામકની કચેરીએ વિકાસના કામો અંગે માહિતી અધિકારી હેઠળની ફરિયાદોને પગલે નિરીક્ષણ માટે આવ્યા હોવાનું કહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વિકાસ કામો માટે મોટી ગ્રાન્ટ ફાળવાય છે પણ કામ મંજૂરીમાં લાંબો સમય નીકળી જાય છે. સરકારનું જ તંત્ર હોવા છતાં આવું કેમ ? તેવો સવાલ પૂછતાં તેમણે જણાવ્યું કે, કલેક્ટર કચેરીમાં કામનું ભારણ વધી જતું હોવાથી જ નિયામક કચેરીનું માળખું ઊભું કરાયું છે અને તેમાં સમાવિષ્ટ નગરપાલિકાઓ માટે છ માસમાં જ 250 કરોડના વિકાસ કામોની ફાઇલો મંજૂર કરાઇ હોવાનું ઉમેર્યું હતું.  ભુજ નગરપાલિકા સંયુકત કર્મચારી સંઘ દ્વારા પણ રજૂઆતો કરાઇ હતી જેમાં 25થી 30 વર્ષ સુધી નોકરી કરવા છતાં કાયમી નથી કરાયા, ફાયર શાખામાં ખોટી રીતે કાયમીના ઓર્ડર, નિયામકની મંજૂરી વિના ભરતી તેમજ નિયામક કચેરીમાં રજૂઆત કરાતાં ત્યાંથી આવતા જવાબના મહત્ત્વના કાગળો ગેરવલ્લે કરાતા હોવાની રજૂઆત કરી હતી. પગારપંચના ખોટા અર્થઘટન સાથે કર્મચારીઓને ચૂકવાયેલી રકમનો આંક બે કરોડ હતો તે પાંચ કરોડ જેટલો હોવા અંગે પણ શ્રી શાસ્ત્રીનું ધ્યાન દોરાતાં તેમણે તપાસની ખાતરી આપી હતી. કોંગ્રેસના નગરસેવકો, માહિતી અધિકાર તળે વિગતો માગનારા નાગરિકોએ પણ શ્રી શાસ્ત્રીને મળી રજૂઆતો કરી હતી. જો કે, આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે, આ રાબેતા મુજબની પ્રક્રિયા છે અને શ્રી શાસ્ત્રીએ ભુજ ઉપરાંત અંજાર, ગાંધીધામની પણ મુલાકાત લઇ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer