ગાંધીધામનું રામલીલા મેદાન બન્યું ડમ્પિંગ સ્ટેશન

ગાંધીધામનું રામલીલા મેદાન બન્યું ડમ્પિંગ સ્ટેશન
ગાંધીધામ, તા. 10 : અહીંની પાલિકા દ્વારા દર વર્ષે યોજાતો આનંદ મેળો ખતમ થવાના આરે છે. આ મેળાના કારણે પાલિકાને સારી એવી આવક થતી હતી પરંતુ જે મેદાનમાં મેળો થતો હતો તેવા રામલીલા મેદાનને પાલિકાના ખાનગી કોન્ટ્રેકટરોએ ડમ્પિંગ સ્ટેશન બનાવી નાખ્યું છે. શહેરના ટાઉનહોલની બાજુમાં આવેલા રામલીલા મેદાનમાં દર વર્ષે પાલિકા દ્વારા મેળાનું આયોજન કરાતું હતું. આ આયોજનનાં કારણે પાલિકાને સારી એવી આવક મળી રહેતી હતી, તેવામાં ગયા વર્ષે ગમે તે કારણે આ મેળો યોજાયો ન હતો. થોડા સમય પહેલાં આ સંકુલમાં કરોડોના ખર્ચે નવાં વરસાદી નાળાં બનાવાયાં હતાં. આ નાળાં બનાવતી વખતે જે મલબો નીકળ્યો હતો તે રામલીલા મેદાનમાં ઠલવાયો હતો. મેદાનમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાય છે, તેવું કારણ આપીને અહીં મોટા-મોટા પથ્થરો ઠાલવી દેવાયા હતા. કોન્ટ્રેકટરને મોકળું મેદાન મળી ગયું હોય તેમ સમગ્ર મેદાનમાં પથ્થરો અને મલબો ખાલી કરી નાખ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ઠેકેદારને દૂર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે અહીં આવું કૃત્ય કરાયું હતું. મેદાન ઉપર અગાઉ સામાજિક કાર્યક્રમો, કથા વગેરેનું આયોજન પણ થતું હતું. પરંતુ હવે આ ડમ્પિંગ સ્ટેશન બની જતાં આવી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યક્રમો કયાં કરશે તે પણ એક પ્રશ્ન છે. જો અહીંથી મલબો ન હટાવાય અથવા તેને વ્યવસ્થિત ન કરાય તો પાલિકાને નુકસાન છે જ પણ અન્ય લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડશે તેવું પ્રબુદ્ધ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer