જીવનની દરેક બાબતમાં સકારાત્મક અભિગમ કેળવો

જીવનની દરેક બાબતમાં  સકારાત્મક અભિગમ કેળવો
ગાંધીધામ, તા. 10 : આદિપુરની ગાંધીધામ કોલેજીએટ બોર્ડ સંચાલિત તોલાણી પોલીટેકનિક  કોલેજ ખાતે તાજેતરમાં ઈન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજ્યુકેશન સ્ટુડન્ટ સેકશન અંતર્ગત મૂલ્ય આધારિત શિક્ષણ અંગે વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આરંભમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગ્ટય કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. માધાપર-ભુજ ખાતેના આર્ષ અધ્યયન કેન્દ્રના પેરામાઉન્ટ ટ્રસ્ટી સ્વામી પ્રદીપ્તાનંદજીએ વિદ્યાર્થીઓને સમાજ પાસેથી જે મળ્યું છે તે પાછું આપવાની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતે. તેમણે વ્યક્તિત્વ વિકાસ, એકાગ્રતા, સંયમ અને જીવનની દરેક બાબતોમાં સકારાત્મક અભિગમ કેળવવાની વિદ્યાર્થીઓને સલાહ આપી હતી. આરંભમાં કોલેજના આચાર્ય પ્રો. જે. કે. રાઠોડે વકતાનો પરિચય આપ્યો હતો અને વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિકતા અને આધ્યાત્મિકતાની મહત્ત્વતા વિશે સમજ આપી હતી. આ વેળાએ આર્ષ અધ્યયન કેન્દ્ર સાથે સંકળાયેલા વંદનાબેન, ડો. દર્શક સલાટ, ધરમભાઈ, કરણભાઈ, ગાંધીધામ કોલેજીએટ બોર્ડના ટ્રસ્ટી પિન્કી પિન્ટો, પ્રો. કે. વેન્કટેશવરલુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સંસ્થાના આઈ.એસ.ટી.ઈ ચેપ્ટરના કો.ઓર્ડિનેટર પ્રો. ઉત્પલ મહીચ્છાએ અને આભારવિધિ પ્રો. નંદન પોમલે કર્યા હતા. પોલીટેકનિક કોલેજના ત્રીજા સેમેસ્ટરના 150 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer