કરોડો દેશવાસીઓનું દિલ તૂટયું

બર્મિંગહામ, તા. 10 : વરસાદને લીધે બીજા દિવસ સુધી લંબાવાયેલા સેમિફાઇનલ જંગમાં નાટકીય ચડાવ-ઉતાર બાદ ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજય થતાં ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું વિરાટસેનાનું સ્વપ્ન રોળાઇ ગયું હતું અને કરોડો ક્રિકેટચાહકો નિરાશ થયા હતા. અલબત્ત મેન ઓફ ધ મેચ મેટ્ટ હેનરી (37 રનમાં ત્રણ વિ.) એન્ડ કંપનીના તરખાટ સામે ભારતે 92 રનમાં છ વિકેટ ગુમાવી દીધા બાદ ખાસ કરીને રવીન્દ્ર જાડેજા (59 દડામાં 77 રન)એ કરેલી યાદગાર બેટિંગને લઇને ભારત લડત આપીને હાર્યું હતું એ નોંધવું રહ્યું. કિવી ટીમ સતત બીજીવાર વિશ્વકપની ફાઇનલમાં પહોંચી છે. આજે કિવીનો દાવ 50 ઓવરમાં 8 વિકેટે 239 રન સુધી સીમિત રહ્યો હતો ત્યારે ઘણા ખરા ભારતની જીત નિશ્ચિત માનતા હતા પણ કિવી બોલરોની ચુસ્ત બોલિંગ અને તેમને વિકેટમાંથી મળતી મદદ સામે ભારતના ટોચના બેટધરો વામણા બન્યા હતા. પાંચ રન સુધીમાં ઇન્ફોર્મ રોહિત શર્મા (1), રનમશીન વિરાટ કોહલી (1) અને લોકેશ રાહુલ (1)ની વિકેટ ગુમાવી દીધા બાદ વાપસી મુશ્કેલ બની હતી. 92 રન સુધીમાં ભારતે કાર્તિક (6), પંત (32) અને પંડયા (32)ની પણ વિકેટ ગુમાવી દેતાં પરાજય નજીક હતો. જો કે બોલિંગ અને ફિલ્ડિંગ બાદ બેટિંગમાં પણ સૌરાષ્ટ્રના જવાંમર્દ ઓલરાઉન્ડર જાડેજાએ રંગ રાખ્યો હતો. તેણે અને ધોની (72 દડામાં 50 રન)એ સાતમી વિકેટ માટે 116 રન જોડી મેચને જમાવી દીધી હતી પણ બોલ્ટે 208ના સ્કોરે જાડેજાને સપડાવ્યા બાદ 49મી ઓવરના ત્રીજા દડે ગુપ્ટિલના સીધા દડામાં માહી રનઆઉટ થતાં ભારતની હાર નિશ્ચિત બની હતી અને વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની શાનદાર સફરનો અંત આવ્યો હતો. સેમિફાઇનલના પહેલા દિવસે બોલિંગમાં ભારત છવાયું હતું, પણ આજે બેટિંગમાં ભારતીય બેટધરો ખરા ટાંકણે હીર ઝળકાવી શક્યા ન હતા. વિશ્વ કપમાં પ સદી કરનારા રોહિત શર્મા, સુકાની વિરાટ કોહલી અને કેએલ રાહુલ 1-1 રન જ કરી શક્યા હતા. રોહિત બીજી ઓવરમાં, કોહલી ત્રીજી ઓવરમાં અને રાહુલ ચોથી ઓવરમાં આઉટ થયા હતા. બિગ થ્રી પાંચ રનમાં પેવેલિયન ભેગા થઈ જતાં કિવીઝ ટીમ મેચ પર હાવી થઈ ગઈ હતી. આ પછી હેનરીએ દિનેશ કાર્તિક (6)ને તેનો ત્રીજો શિકાર બનાવ્યો હતો. નીશમે તેની શાનદાર કેચ કર્યો હતો. આ પછી યુવા રિષભ પંત (32) અને હાર્દિક પંડયા (32) વચ્ચે પાંચમી વિકેટમાં 47 રનની ભાગીદારીથી ભારતની ઇનિંગ થોડી સ્થિર બની હતી પણ આ બન્ને કિવી સ્પિનર સેંટનરની જાળમાં ફસાઇને ખરાબ શોર્ટ મારીને આઉટ થયા હતા. 92 રનમાં 6 વિકેટ પડી જવાથી ભારતના હાથમાંથી મેચ સરકી જ ગયો હતો, પણ સૌરાષ્ટ્રના નૈસર્ગિક ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ લાજવાબ સ્ટ્રોકફુલ બેટિંગ કરીને ધોનીના સાથમાં મેચને રોમાંચક બનાવી દીધો હતો. ભારતને જ્યારે 14 દડામાં 32 રનની જરૂર હતી ત્યારે રવીન્દ્ર કમનસીબે છગ્ગો મારવાના પ્રયાસમાં બોલ્ટના દડામાં મીડ વિકેટ પર કિવી કેપ્ટન વિલિયમ્સનના હાથે કેચ આઉટ થયો હતો. બન્ને વચ્ચે સાતમી વિકેટમાં 104 દડામાં 116 રનની ભાગીદારી થઈ હતી. જાડેજાએ પ9 દડામાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાથી આક્રમક 77 રન કર્યા હતા. આ પછી ભારતને જ્યારે 11 દડામાં 2પ રનની જરૂર હતી ત્યારે ગુપ્ટિલના સીધા થ્રોથી ધોની રનઆઉટ થયો હતો. આથી ભારતની હાર નિશ્ચિત બની હતી. ધોનીએ 72 દડામાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાથી પ0 રન કર્યા હતા. આ પછી ભુવનેશ્વર (0) અને ચહલ (પ) આઉટ થતાં ભારતની ઇનિંગ 49.પ ઓવરમાં 221 રને સમાપ્ત થઈ હતી. જેથી ન્યૂઝીલેન્ડનો 18 રને વિજય થયો હતો અને ફાઇનલમાં પહોંચ્યું હતું. બોલ્ટ-સેંટનરે 2-2 વિકેટ લીધી હતી. અગાઉ વરસાદને લીધે જે સ્કોર પરથી રમત અટકી હતી તે પ વિકેટે 211 રનથી ન્યૂઝીલેન્ડે તેનો દાવ આગળ વધાર્યો હતો અને બાકી બચેલા 23 દડામાં 28 રનનો વધારો કર્યો હતો. જો કે આ દરમિયાન 3 વિકેટ પણ ગુમાવી હતી. આમ છતાં ઓલ્ડ ટ્રેફર્ડની લાઇવ વિકેટ પર ન્યૂઝીલેન્ડ 8 વિકેટે 239 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવવામાં સફળ રહ્યંy હતું. રવીન્દ્ર જાડેજાએ બીજા દિવસે પણ તેની ઉપયોગીતા સાબિત કરીને રોશ ટેલરને સીધા થ્રોથી રનઆઉટ કર્યો હતો. આથી કિવીઝની ઝડપી રન કરવાની યોજના નિષ્ફળ બની હતી. ટેલરે 90 દડામાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાથી મહત્ત્વના 74 રન કર્યા હતા. આ ઉપરાંત જાડેજાએ ભુવનેશ્વરની બોલિંગમાં બાઉન્ડ્રી લાઇન પર ટોમ લાથમનો શાનદાર કેચ ઝડપીને કિવીઝને વધુ એક ફટકો આપ્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer