ગુજરાતની દરિયાઇ સુરક્ષા પર ખાસ નિગરાની

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના 1600 ચો.મી. દરિયાકિનારાની સુરક્ષાને વધુ સુદૃઢ કરવા માટે તથા દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની શંકાસ્પદ હેરાફેરી ન થાય તેને રોકવા માટે રાજ્યસરકારે આજે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. દરિયાઇ સુરક્ષાનું સીધું મોનિટરિંગ હવે એડી.ડી.જી.પી. અને ડી.જી.પી. કક્ષાના અધિકારીઓ દ્વારા કરાશે. ઉલ્લેખનીય છે કે કચ્છ સહિતનો ગુજરાતનો સમુદ્રી વિસ્તાર નાપાક ગતિવિધિઓ માટે જાણીતો છે તો તાજેતરના ભૂતકાળમાં મોટા પાયે ડ્રગ્સની હેરાફેરીના પણ કિસ્સા બહાર આવ્યા છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દરિયાઇ કામગીરીના સુપરવિઝન માટે આઇ.જી.પી. કોસ્ટલ સિક્યુરિટીની  તમામ કામગીરી એડી.ડી. જી.પી./ ડી.જી.પી. મરીનને સોંપાશે. આ માટે જગ્યા અપગ્રેડ કરીને સુદઢ  વહીવટી માળખું પણ ગોઠવવામાં આવશે. હાલની આઇપીજી/ એટીએસ/આઇજી મરીન ટાસ્ક ફોર્સ અને આઇડીપી કોસ્ટલ સિક્યુરિટીની જગ્યાઓ પર પણ એડી.ડી.જી.પી./ડી.જી.પી.નું સીધું નિયંત્રણ રહેશે. એડી.ડી.જી.પી. (એટીએસ)નું નામાભિધાન પણ  બદલીને હવે એ.ટી.એસ. કોસ્ટલ સિક્યુરિટી રખાશે તથા આઇ.જી.પી. મરીને ટાસ્ક ફોર્સનું નામ પણ બદલીને હવે આઇ.જી.પી. કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું છે. જેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે રહેશે. જે સીધા એડી.ડી.જી.પી./ડી.જી.પી.-એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરશે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, એડી.ડી.જી.પી./ડી.જી.પી.-એ.ટી. એસ.ના સીધા નિયંત્રણ હેઠળ ત્રણ એસ.પી. કક્ષાના અધિકારીઓ કામ કરશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer