બાગી ધારાસભ્યો સુપ્રીમનાં દ્વારે

બેંગ્લોર/મુંબઇ. તા. 10 : કર્ણાટકનો રાજકીય ઘટનાક્રમ હવે બહુ જ નાટકીય બન્યો છે. કોંગ્રેસ જેડીએસના બાગી ધારાસભ્યોએ બુધવારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેમાં ધારાસભ્યોએ આરોપ મૂક્યો હતો કે, વિધાનસભા સ્પીકર પોતાની બંધારણીય જવાબદારીમાંથી પાછળ હટી રહ્યા છે અને જાણીબુઝીને રાજીનામું સ્વીકાર કરવામાં સમય લગાડી રહ્યા છે. દરમ્યાન રાજ્ય સરકારને પડેલા મોટા ધક્કામાં આજે બે વધુ અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ સ્પીકરને રાજીનામાં ધરી દેતાં સંખ્યા વધીને 16 પર પહોંચી ગઇ છે. સ્પીકરે પ્રતિભાવ આપ્યો હતો કે અત્યાર સુધી તેમણે કોઇપણ રાજીનામાં નથી સ્વીકાર્યા.બાગી ધારાસભ્યોએ આજે સુપ્રીમ કોર્ટનો રાહ ત્યારે ઉઠાવ્યો જ્યારે વિધાનસભા સ્પીકર કે. આર. રમેશ કુમારે કહ્યું કે, `13 અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામાના મામલામાં તેમણે કમસેકમ છ દિવસની જરૂર છે.' આનાથી કોંગ્રેસ જેડી.એસ.ને વ્યૂહરચના બનાવવાનો સમય મળી શકે છે. દરમ્યાન મુંબઇથી હેવાલ મુજબ, કોંગ્રેસ-જનતાદળ (એસ)ના બળવાખોર વિધાનસભ્યોને મનાવવા આવેલા કર્ણાટકના જળત્રોત ખાતાના પ્રધાન ડીકે શિવકુમારની અટક કરાયા બાદ મોડી સાંજે તેમને વિમાન મારફતે પાછા બેંગલોર મોકલી આપવામાં આવ્યા હતા. તેના પગલે કર્ણાટકમાં કોંગ્રેસ-જનતાદળ (એસ)ની સરકારના ભાવિ વિશે પ્રવર્તતી અનિશ્ચિતતા વધુ ઘેરી બની છે. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદની પણ બેંગ્લોરમાં રાજભવન બહાર પ્રદર્શન કરતી વેળા અટક કરવામાં આવી હતી. જો કે, બંનેને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા. આ પહેલાં બે કોંગ્રેસ ધારાસભ્યો ગૃહમંત્રી એમટીબી નાગરાજ અને કે. સુધાકરે બુધવારે સ્પીકરને તેમનું રાજીનામું ધરી દીધું હતું. શાસક સરકાર પર બહુમતી તૂટવાનું  હજુ જોખમ જ છે. જો રાજીનામાં સ્વીકારી લેવાય તો બહુમતીમાં આવી જશે. 224 સભ્યોના ગૃહમાં હાલમાં સંયુક્ત સરકારનું સંખ્યાબળ 116 છે. રાજીનામું આપનારા 16માંથી 13 કોંગ્રેસના ધારાસભ્ય છે અને 3 જનતાદળ સેકયુલરના છે. સરકારના સમર્થનમાં વર્તમાન ધારાસભ્યોની સંખ્યા હવે 101 રહી ગઇ છે. ભાજપનો દાવો છે કે તેને 107 ધારાસભ્યોનું સમર્થન છે. દરમ્યાન, શિવકુમાર મુંબઈ વિમાની મથકે ઊતર્યા પછી સવારે 8.20 વાગે પવઈ સ્થિત હોટેલ રેનેસાં પહોંચ્યા હતા. દસ બળવાખોર વિધાનસભ્યોએ મુંબઈના પોલીસ આયુક્તને પત્ર લખીને જાણ કરી હતી કે અમારા જાનને જોખમ હોવાથી શિવકુમારને હોટેલમાં પ્રવેશતા રોકવામાં આવે. તેથી શિવકુમારને હોટેલમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા. તેમની સાથે કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન મિલિંદ દેવરા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન મહંમદ આરિફ (નસીમ) ખાનની પણ અટક કરવામાં આવી હતી. તેઓને કાલિના સ્થિત પોલીસ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer