રાજ્યના પેન્શનરોને સ્કેલ ટુ સ્કેલનો લાભ મળશે

અમદાવાદ, તા. 10 : (અમારા પ્રતિનિધિ તરફથી) ગુજરાત હાઇકોર્ટે રાજ્યસરકારને મોટો ઝટકો આપતા રાજ્યના લાખો પેન્શનર્સને હાઇકોર્ટે મોટી રાહત સમાન નિર્ણય કર્યો છે. હવે રાજ્યના તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલ પેન્શનનો લાભ મળશે તેવો હાઇકોર્ટે આદેશ કર્યો છે અને આ લાભ વર્ષ 2006થી તમામ પેન્શનર્સને આપવા માટે હાઇકોર્ટે રાજ્યસરકારને હુકમ કર્યો છે અને પેન્શનરો તરફથી કરાયેલી અરજી ગ્રાહ્ય રાખી હતી. મહત્ત્વનું છે કે, આ પહેલાં રાજ્યસરકારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હોયતેવા પેન્શનર્સને જ નેશનલ બેનિફિટ આપવા 2018માં ઠરાવ પસાર કર્યો હતો જેની સામે હાઇકોર્ટમાં અપીલ કરાયા બાદ હાઇકોર્ટે સરકારના આ ઠરાવને રદ કર્યો છે અને હવે હાઇકોર્ટમાં અરજી કરી હોય કે ન કરી હોય તેવા  તમામ પેન્શનર્સને વર્ષ 2006થી આ લાભ આપવા હાઇકોર્ટે હુકમ કર્યો છે. હાઈકોર્ટેના તેના ચુકાદામાં એ સ્પષ્ટતા કરી હતી કે, જેઓ આ કેસમાં અરજદાર તરીકે જોડાયા નથી પરંતુ આ વ્યાખ્યામાં સમાવિષ્ટ હોય તેઓને પણ આ ચુકાદાનો લાભ મળશે. જેથી રાજ્યના લાખો પેન્શનર્સને તેનો વ્યાપક લાભ મળશે. હાઈકોર્ટના આ ચુકાદાથી રાજ્ય સરકાર પરનો આર્થિક બોજો વધશે. પેન્શનર્સ તરફથી અરજીમાં જણાવાયું હતું કે, અત્યાર સુધી તેઓને સ્કેલ ટુ સ્કેલનો લાભ અપાતો ન હતો અને તેના કારણે  તેમને પેન્શનમાં ભારે અન્યાય થાય છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer