એક અઠવાડિયું કચ્છ કોરું જ રહેશે

ભુજ, તા. 10 : સરિયામ ત્રણ-ત્રણ દુકાળ વર્ષોના દર્દથી દાઝયા બાદ મીં તરસ્યો કચ્છી માડુ `ભાગ્યવિધાતા' રીઝે તેની રાહ જોઇ રહ્યો છે, પરંતુ જેઠ માસના અંત ભાગમાં ત્રણેક દિવસ વાગડ, પચ્છમ પંથકમાં થોડુંક હેત વરસાવ્યા પછી  વરસાદ ખેંચાઇ જતાં રણપ્રદેશના કિસાનો, પશુપાલકોના જીવ તાળવે ચોંટી ગયા છે. હજુ પાંચ દિવસથી એક અઠવાડિયા સુધી કચ્છ પર મેઘમહેરની કોઇ જ શક્યતા નથી. ગુજરાત રાજ્યના ઉત્તરીય ભાગોને ભીંજવી દેનાર વરસાદથી વંચિત કચ્છીઓમાં ભારોભાર ઉચાટ છે. ત્યારે સંપર્ક સાધતાં રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગના નાયબ નિયામક મનોરમા મહંતીએ `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે, હજુ એક અઠવાડિયા સુધી કચ્છમાં વરસાદના કોઇ જ એંધાણ નથી દેખાતા. તો હવે કચ્છમાં ક્યારે વરસાદ થશે તેવો પ્રશ્ન વધુ એકવાર પૂછતાં આપણા પ્રદેશ માટે બેહદ મહત્ત્વના આ સવાલનો કોઇ જવાબ નહીં આપી શકેલા નાયબ નિયામકે કહ્યું હતું કે, મોસમ વિજ્ઞાન આટલા દિવસ (એકાદ સપ્તાહ)થી વધુ ગાળા પછીની આગાહી કરી શકે તેમ નથી. હળવાં દબાણની કોઇ સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાય, ભેજનું પ્રમાણ વધે તો જ ઘટ્ટ વાદળો કચ્છના આકાશમાં બંધાઇને વરસે તેવું ભુજ સ્થિત હવામાન વિભાગના નિયામક રાકેશકુમારે કહ્યું હતું. રાજધાની નવી દિલ્હી સ્થિત હાઇ?પાવર કોમ્પ્યુટર સિસ્ટમ પણ કોઇ વર્તારો આપી રહી નથી. બંગાળની?ખાડીમાં સિસ્ટમ સર્જાય તો પણ સારું થાય. હજુ એક અઠવાડિયા સુધી પવનની ગતિ થોડી વધુ રહેવા સાથે વાદળછાયું વાતાવરણ રહેશે.  આશાભેર 76 હજાર હેક્ટરમાં વાવેતર કરી ચૂકેલા કિસાનો તેમજ ચારો ઝંખતા પશુપાલકો આભ ભણી આશાભરી મીટ માંડી બેઠા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer