ભુજમાં જૂના ઝઘડામાં પિતરાઇ ભાઇ દ્વારા હુમલો કરાતાં માતા-પુત્ર ઘવાયા

ભુજ, તા. 10 : આ શહેરમાં જૂના ઝઘડા અન્વયે પિતરાઇ ભાઇ દ્વારા લાકડી વડે કરાયેલા હુમલામાં મદીના નગર-1 ખાતે રહેતા ઇમ્તિયાઝ અદ્રેમાન છુછિયા (ઉ.વ.21) અને તેની માતા મેમુનાબેન (ઉ.વ.50) ઘવાયા હતા. તો બીજીબાજુ ભુજની ભાગોળે માધાપર હાઇવે ખાતે દારૂ માટેના પૈસાની ના પાડવા મુદ્દે  જયાબેન (ઉ.વ. 26) નામની પરિણીત યુવતી ઉપર તેના પતિ નરેશ ગોવા વાસખોડાએ હુમલો કરીને માથામાં પથ્થર ફટકાર્યો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ ભુજમાં મદીનાનગર-1 ખાતે આજે સવારે બનેલી હુમલાની ઘટનામાં જખ્મી થયેલા ઇમ્તિયાઝ છુછિયા અને તેની માતા મેમુનાબેનને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં  દાખલ કરાયા હતા. હોસ્પિટલ પોલીસ ચોકી સમક્ષ લખાવાયેલી પ્રાથમિક કેફિયત મુજબ જૂના ઝઘડા અન્વયે પિતરાઇ ભાઇ એઝાઝ મહમદ છુછિયાએ લાકડી વડે આ બન્ને ઉપર હુમલો કર્યો હતો. એ- ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે ભુજના પાદરમાં માધાપર હાઇવે ઉપર દીપક પેટ્રોલપંપ સામે ઇન્ડીઅન ગેસની બાજુમાં રહેતી જયાબેન ઉપર તેના પતિ નરેશ વાસખોડાએ હુમલો કરી માથામાં પથ્થર ફટકાર્યો હતો. દારૂ પીવા માટે પૈસાની માગણી પત્નીએ ન સંતોષતાં આ હુમલો કરાયો હોવાની વિગતો પોલીસ સમક્ષ ભોગ બનનારે હોસ્પિટલના બિછાનેથી લખાવી હોવાનું પોલીસે ઉમેર્યું હતું. બી-ડિવિઝન પોલીસે આગળની છાનબીન હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer