આજે બીજી સેમિફાઈનલમાં ઓસી-ઈંગ્લેન્ડની ટક્કર

બર્મિંગહામ, તા. 10 : પહેલીવાર વિશ્વ કપ જીતવાના ઉંબરે ઊભેલી ઇંગ્લેન્ડની ટીમ ગુરુવારે બીજી સેમિ ફાઇનલ મેચમાં પાંચ વખતની ચેમ્પિયન અને પરંપરાગત હરીફ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે મેદાને પડશે. ત્યારે વર્તમાન વિજેતા કાંગારૂ ટીમ સામે યજમાન ઇંગ્લેન્ડની ટીમની કસોટી કઠિન બની રહેશે. ઇંગ્લેન્ડ પાછલા વર્લ્ડ કપ 201પમાં પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ ગયું હતું. જો કે આ પછી ઇંગ્લેન્ડની મર્યાદિત ઓવરોની ટીમની કાયાપલટ થઇ ચૂકી છે અને નંબર વન પર આવી ગઇ છે. હાલ ઇંગ્લેન્ડની ટીમને વન ડેની સૌથી મજબૂત માનવામાં આવે છે. ઇંગ્લેન્ડ 1979, 1987 અને 1992માં ફાઇનલ સુધી પહોંચ્યું હતું, પણ વિશ્વ કપ જીતી શકયું નથી. આ વખતે ઇઓન માર્ગનની ટીમનું ફોર્મ જોતાં વિશેષજ્ઞો એવું અનુમાન કરી રહ્યા છે કે તેમની પાસે વિશ્વ વિજેતા બનવાનો સોનેરી મોકો છે. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામેની પાછલી 12 વન ડેમાંથી 10 મેચ જીતી છે. જો કે ઇંગ્લેન્ડને ખબર છે કે કાંગારૂ ટીમ કેટલી ખતરનાક છે. લીગ તબક્કામાં તેણે ઇંગ્લેન્ડને 64 રને હારનો સ્વાદ ચખાડયો હતો. જો કે ઇંગ્લેન્ડ અને ખિતાબ વચ્ચે પહેલી બાધા ઓસ્ટ્રેલિયા છે. જે ટૂર્નામેન્ટમાં સતત શાનદાર દેખાવ કરતું આવ્યું છે. તેણે હજુ સુધીની તમામ 6 સેમિ ફાઇનલ જીતી છે. હજુ ચાર મહિના પહેલાં જ કાંગારૂ ટીમને કોઇ ગંભીરતાથી લેતું હતું, પણ એરોન ફિંચની ટીમે શાનદાર વાપસી કરી છે. જો કે આજે પણ આ ટીમને અતીતની અપરાજિત ઓસ્ટ્રેલિયન ટીમ કહી શકાય નહીં, આમ છતાં આ ટીમ મોટા મુકાબલાઓમાં સતત સારું પ્રદર્શન કરતી આવી છે. આ વખતે પણ સાચા સમયે ટીમ ફોર્મમાં પાછી ફરી છે અને કોઇ પ્રકારના દબાણમાં નથી. તો ઇંગ્લેન્ડને તેના સુકાની ઇઓન મોર્ગનનું અચાનક નબળું પડેલું ફોર્મ સતાવી રહ્યું છે. બટલરના બેટમાંથી પણ રન નીકળી રહ્યા નથી. રાહતની વાત એ છે કે જેસન રોયની વાપસી થઇ છે અને તેણે જોની બેયરસ્ટો સાથે પાછલી બન્ને નોકઆઉટ સમાન મેચમાં સદીની ભાગીદારી કરી છે. બેયરસ્ટો પણ સતત બે સદી કરી ચૂકયો છે. ઓસ્ટ્રેલિયાને ઇજાની સમસ્યા નડી રહી છે. ઉસ્માન ખ્વાઝા બહાર થઇ ગયો છે. આથી તેના સ્થાને સામેલ થયેલ પીટર હેન્સકોબનું ઇંગ્લેન્ડ સામેની સેમિમાં રમવું નિશ્ચિત છે. ટીમની જીતનો આધાર ઓપનિંગ જોડી ડેવિડ વોર્નર અને સુકાની એરોન ફિંચ ઉપરાંત ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક અને કમિન્સ પર વધુ રહેશે. સ્ટાર સ્મિથ મોટી ઇનિંગ રમે તેવી ટીમને આશા રહેશે.  એજબેસ્ટનની સપાટ વિકેટ પર ટોસ જીતનાર ટીમ પહેલો દાવ લઇને 300 ઉપરનો સ્કોર કરવાનો પ્રયાસ કરશે. મેચ ભારતીય સમય અનુસાર ગુરુવારે બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer