માંડવીમાં મંજૂર થયેલો બાયપાસ માર્ગ ઝડપથી ચાલુ કરવા માંગ

માંડવી, તા. 10 : માંડવીના પ્રવેશદ્વારે રૂકમાવતી નદી ઉપર બનેલો પુલ સમય મર્યાદા પૂર્ણ થતાં ઘરડો થયો છે તેમજ હવે તેના પર ભારે વાહનો ચલાવવાનો પ્રતિબંધ કરાયો છે. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા સાતેક વર્ષથી નવો  બાયપાસ તેમજ રાજ્ય સરકાર દ્વારા બાજુમાં જ માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા રૂપિયા 13 કરોડની લાગતથી નવો પુલ બનાવવાનો મંજૂર કરાવી આવ્યા જે કામ શરૂ થઇ ગયું છે.આ અંગે  ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસભાઇ શાહ, માનદ્મંત્રી નરેન્દ્રભાઇ સુરુ વગેરે હોદ્દેદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, પરિવહન મંત્રી નીતિનભાઇ ગડકરી, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા,  ધારાસભ્યનું ધ્યાન દોરતાં જણાવ્યું કે,  નવા સ્વામિનારાયણ મંદિર, શીતલા રોડથી નલિયા હાઇવે રોડ પર બહુ જ મોટી ટ્રાફિક સમસ્યા છે. છાસવારે અકસ્માતો થાય છે. કઇક નિર્દોષોના જાન ગયા છે. કેટલાયે  પરિવારો રખડી પડયા છે. માટે 6 કિ.મી. લાંબો પુલ રૂપિયા 40 કરોડના જંગી લાગતથી બનાવવા માટે મંજૂરી, નકશા પ્લાન, એસ્ટિમેટ જેમાં 13 મીટર પહોળાઇ સાથેના મુખ્ય બ્રીજ સાથે 6 નાના પુલવાળો ડામર રોડ બનશે. કેન્દ્ર સરકારના મુખ્ય ઇજનેર શ્રી કૌલ પાસે બધું જ તૈયાર છે. જે એકાદ-બે જમીન માલિક ખેડૂતોને  જમીન સંપાદન માટે સમજાવવાના બાકી છે, ત્યારે સરકાર જંત્રીના ભાવો કરતા મળતી માહિતી મુજબ ચારગણા ભાવો આપવા તૈયાર છે ત્યારે માંડવી ચેમ્બર ખેડૂતોને તેમની જમીનનું પૂરતું વળતર મળે તેવી સરકારની પાસે માંગણી કરે છે. આગેવાનેએ જણાવ્યું કે, મંજૂરી મળી ગયા પછી ખૂબ જ 7 વર્ષ જેટલો લાંબો સમય નીકળી ગયો, હવે ઝડપ લાવવી ખૂબ જ જરૂરી છે નહિંતર અકસ્માતોનો સિલસિલો જારી રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer