પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ માટે ઓનલાઈન અરજીમાં પડતી મુશ્કેલી

ભુજ, તા. 10 : કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી પ્રક્રિયામાં પડતી મુશ્કેલી નિવારવા અને મુદ્દત વધારવા જિલ્લા કલેક્ટરને કોંગ્રેસે રજૂઆત કરી હતી. પ્રત્યેક ખેડૂતને વાર્ષિક કુલે રૂા. 6000 સહાય ચૂકવવાપાત્ર છે અને આ અંગે ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે. જેની મુદ્દત 15 જુલાઈ 2019ના પૂરી થાય છે. આ યોજના અંતર્ગત ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરે છે ત્યારે જે ખેડૂતના 7/12ના ઉતારામાં તલાટીઓ દ્વારા ખેડૂત દ્વારા લેવાયેલા પાકની વિગત દર્શાવતા ઈ-ધારા કેન્દ્રમાં આપોઆપ તે જમીન બિનખેડવાણ કે પડતર છે તેવું લખાઈ જાય છે, જે 7/12ના ઉતારામાં બિનખેડવાણ કે પડતર લખેલું હોય તેવા સર્વે નંબરોની અરજી ઓનલાઈન પ્રક્રિયામાં સ્વીકારવામાં આવતી નથી. ખેડૂતો દ્વારા મામલતદાર કચેરીનો સંપર્ક કરી આવી ક્ષતિઓ સુધારવા અરજી કરાઈ છે. પરંતુ દરેક મામલતદાર કચેરીઓમાં આવી અસંખ્ય અરજીઓ આવતાં અરજીઓની ખરાઈ કરી આવો સુધારો કરવાની પ્રક્રિયામાં એકાદ માસ લાગી જાય તેમ છે. જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા પી.સી. ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી સમગ્ર કચ્છમાં વાવણીજોગ વરસાદ નથી પડયો ત્યારે સિંચાઈની સુવિધાથી વંચિત ખેડૂતોની જમીનમાં પાકની વિગત ન દર્શાવાઈ હોય તે સ્વાભાવિક છે. ત્યારે આ સ્થિતિમાં સિંચાઈની સગવડ ધરાવતા સદ્ધર ખેડૂતો જ આ યોજનાનો લાભ લઈ શકે તેમ છે. ખરેખર જરૂરતમંદ ગરીબ ખેડૂતો વંચિત ન રહી જાય તે માટે અરજીની મુદ્દત વધારવા રજૂઆત કરાઈ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer