મુંબઇથી કંડલા આવતા વિમાનમાં માંડ બચ્યા; બેદરકારી બદલ પગલાં લેવા પૂર્વ રાજ્યમંત્રીની માંગ

ભુજ, તા. 10 : મુંબઇથી કંડલા આવતા સ્પાઇસ જેટના વિમાનને આકાશમાં ઊડયાને અડધા કલાકમાં જ ખામીના લીધે પરત મુંબઇ ઉતરાણ કરવું પડયું હતું. આમ માંડ બચ્યા હોવાનું પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાએ જણાવી આ ખામીયુકત વિમાનને ઉડાન ભરવા બદલ સ્પાઇસ જેટે ગુનાહિત બેદરકારી દાખવી હોવાથી તેના પર પગલાં લેવા માંગ કરી છે. તારાચંદભાઇએ આ સમગ્ર બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર લખ્યો છે જેમાં જણાવાયું છે કે, તા. 9/7ના મંગળવારે હું અને મારી સાથે અનેક પ્રવાસીઓ મુંબઇથી કંડલા આવવા માટે બપોરે 12 વાગ્યે મુંબઇ એરપોર્ટ ઉપર પહોંચી આવ્યા હતા. મુંબઇથી કંડલા આવવા માટે બપોરે 1 વાગ્યે વિમાન હતું. બપોરે 12 કલાકથી સાંજે 4.30 વાગ્યા સુધી આ એરલાઇન્સ દ્વારા ટેકનિકલ ખામી હોવાનાં કારણે પોરબંદરથી હજી વિમાન આવ્યું નથી તેમ જણાવવામાં આવ્યું. ત્યાં સુધી બધા યાત્રિકોને મુંબઇ એરપોર્ટ ઉપર બેસાડી રાખવામાં આવ્યા હતા અને અડધા કલાક બાદ પાંચ વાગ્યે આ ટેકનિકલ ખામીવાળા વિમાનમાં મુંબઇથી કંડલા જવા માટે બેસાડવામાં આવ્યા હતા અને આ વિમાન કંડલા માટે ઉપાડવામાં આવ્યું અને આકાશમાં ઉપર અડધા કલાક પછી આ વિમાનમાં ટેકનિકલ ખામી હોવાનાં કારણે પાછા મુંબઇ લઇ જઇએ છીએ તેવી સૂચના આપી અમને બધાને મુંબઇ એરપોર્ટ ઉપર પાછળ પહોંચાડયા હતા. જ્યાં કોઇ પણ જાતની વ્યવસ્થા કરવામાં ન આવી અને કંડલા પહોંચાડવામાં ન આવ્યા. જો આ ટેકનિકલ ખામીવાળા વિમાનમાં અકસ્માત સર્જાયો હોત તો આ ગુનાહિત બેદરકારી માટે જવાબદાર કોણ હોત તેવો સવાલ કરી આ બાબતે યોગ્ય પગલાં ભરવા અને સ્પાઇસ જેટ (એરલાઇન્સ) ઉપર કાયદેસરની  કાર્યવાહી કરવાની શ્રી છેડાએ પત્રમાં માંગ કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer