અછત કામમાં કચ્છની વગડાઉ વનસ્પતિ પશુઓ માટે ઉપયોગી

રાયધણપર (તા. ભુજ), તા. 10 : અછતનું કપરું વર્ષ પસાર થઇ ગયું છે અને ચોમાસામાં હજી પણ વરસાદ રાહ જોવડાવી રહ્યો છે ત્યારે કચ્છની વનસંપદા, વનસ્પતિ અને પ્રકૃતિ દુષ્કાળવર્ષમાં પણ પશુ-પક્ષી અને માનવ માટે ઉપયોગી હોવાનો અણસાર દેખાઇ રહ્યા છે. હાલમાં કચ્છની વન્યસંપદા મીઠા જાર (પીલુ વૃક્ષ), કેળ તથા મીઠા બાવળ ઉપર અપાર માત્રામાં ફળ-ફૂલ અને પાંદડા જોવા મળે છે. જે ઘેટાં-બકરાં ઉપરાંત પક્ષીઓ માટે ભરપૂર ખોરાકનું કામ કરે છે. પ્રકૃતિપ્રેમી અને સજીવ ખેતીમાં પ્રગતિશીલ ખેડૂત મગનભાઇ આહીરે જણાવ્યું કે, નિંગાળ, ખંભરા સહિતની સીમમાં અત્યારે આ કુદરતી સંપદા પશુ-પક્ષીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. જેથી જો કચ્છની આ મીઠી વનસ્પતિઓ ટકી રહેશે, તો આવા દુષ્કાળના અનેક વર્ષોમાં પણ નાના પશુઓને ખોરાક પૂરો પાડશે.કચ્છમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં આ પ્રકારની મીઠી વનસ્પતિને  પ્રાથમિકતા- પ્રોત્સાહન અપાય તો વધુ ફાયદાકારક રહેશે. કચ્છમાં ઊંટ પણ સારી એવી સંખ્યામાં છે ત્યારે પીલુ, મીઠો બાવળ, કેળ જેવી વનસ્પતિના વૃક્ષો ઊંટ માટે મહત્ત્વનો ખોરાક બની રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer