`માનસ અહિંસા''નું ફળ ભગવાન મહાવીરને અર્પણ

`માનસ અહિંસા''નું ફળ ભગવાન મહાવીરને અર્પણ
નંદીસરોવર (તા. મુંદરા), તા. 16 (અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા) : રામકથાનું ફળ હું જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં અર્પણ કરું છું, કહેતાંની સાથે `માનસ અહિંસા'ના નામે ચાલતી રામકથાને જાણીતા કથાકાર પૂ. મોરારિબાપુએ વિરામ આપ્યો હતો. શ્રોતાઓમાં નવી નવી ચેતનાઓ જન્મશે તથા સૌના વંશમાં હરિભક્તિ વધે તેવા શુભાશિષ સાથે ઉપસ્થિત શ્રોતાઓને જય સિયારામ કહ્યા ત્યારે વાતાવરણ ભાવુક બન્યું હતું. કથાના નવમા અને અંતિમ દિવસે નંદીસરોવરમાં વિશાળ મંડપમાં બોલતાં પૂ. બાપુએ જણાવ્યું કે, આજે કબીર સાહેબનો પ્રાગટય દિવસ છે. તેમણે સંત કબીરની રચનાઓ ગાઇ કબીર વિશે જણાવ્યું કે કબીર ક્રાંતિકારી છે, કબીર શાંતિહારી છે અને કબીર ભ્રાંતિહારી છે. `માનસ અહિંસા'ના મધ્યબિંદુ વિચારને આગળ વધારતાં પૂ. બાપુએ ફાધર્સ-ડે એ એક દિવસ નહીં પણ આખી જિંદગી મનાવાય. તેમણે કહ્યું, જીવનમાં જેટલું સુખ છે તેટલું દુ:ખ છે. સમ્યક સમજ આવે પછી વન અને ભવનનો ભેદ રહેતો નથી. જાણીતા સાહિત્યકાર-કવિ અને જન્મભૂમિના પૂર્વ તંત્રી સ્વ. હરીન્દ્ર દવેની રચના `માધવ ક્યાંય નથી મધુવનમાં' રજૂ કરી હતી. રામકથાના અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિસ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ સહિતના અધ્યાયોની પોતાની આગવી છટા અને નોખા અર્થે રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ભગવાન શંકરે કરેલી રામની સ્તુતિ ગાઇ કથામંડપને ગજવ્યો હતો. તુલસીદાસજીની ખાસિયતો વર્ણવતાં તેમણે જણાવ્યું કે, જેમાં સંવાદ છે એવા જ પ્રસંગો તુલસીદાસજીએ વર્ણવ્યા છે. શિવ એટલે કલ્યાણ તેવું કહેતાં રામેશ્વરની સ્થાપનાની કથા કહી શ્રોતાઓને મોબાઇલની લાઇટ ચાલુ કરી રામેશ્વર ભગવાનની આરતી ઉતારવાનું પૂ. બાપુએ આહ્વાન કરતાં સમગ્ર સભામંડપમાં મોબાઇલની બત્તીઓ ચાલુ થતાં અને સંગીતમય આરતી રજૂ થતાં કથામંડપમાં અલૌકિક દિવ્ય વાતાવરણ ખડું થયું હતું. આજની કથામાં સ્વામી હરિહરાનંદજી (જરુ-અંજાર), વેલજી ડાડા (જંગી મેકણધામ), રાજ્યમંત્રી વાસણભાઇ, સાંસદ વિનોદભાઇ ચાવડા, જિગર છેડા, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સંજયભાઇ પરમાર, લોકસાહિત્યકાર રમેશભાઇ જોષી, રણજિતસિંહ જાડેજા, સચિન ગણાત્રા સહિતના જિલ્લા અને જિલ્લા બહારના સંતો-મહંતો, સામાજિક અગ્રણી અને રાજકીય પક્ષોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કથાના તમામ દિવસો દરમ્યાન સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપરાંત મહેન્દ્રભાઇ સંગોઇ પરિવારના મંજુલાબેન સંગોઇ, પુત્રી જીનલ, કેજલ અને એકતાએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટી હરેશભાઇ વોરા, ડાહ્યાભાઇ પટેલ સતત માર્ગદર્શન આપતા હતા. આજે સવારથી કથામંડપ ખીચોખીચ ભરાઇ ગયો હતો. તેમ કથા બપોરે સાડા બાર વાગ્યે પૂર્ણ કરવાની હોઇ પૂ. બાપુ પ્રસંગોનો ઉલ્લેખ કરી આગળ વધતા હતા. મહત્ત્વના કાંડના સાર રજૂ કરી કથાને છેક લવ-કુશના જન્મ સુધી લઇ ગયા હતા. તેમણે યુવાનોને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, જીવનમાં ભારતીય મર્યાદા તૂટવી ન જોઇએ. બાકી મોજમાં રહેવું. તમે વર્ષમાં ગમે ત્યાં કથાશ્રવણના નવ દિવસ આપો, હું તમને નવજીવન આપીશ. લેર કરો. નાતા-જાત હવે કાળથી બહાર થઇ ગયા છે. નરસિંહ મહેતાની રચના વૈષ્ણવજન તો તેને કહીએ પ્રસ્તુત કરી હતી. પૃથ્વીરાજ ચૌહાણ ગજબનો મહાપુરુષ હતો. અંગ્રેજોના માનસપુત્રોએ ઇતિહાસ બદલી નાખ્યો છે, તેવું બાપુએ જણાવ્યું હતું. વિકારોથી નહીં વિચારોથી મુક્તિ એ બ્રહ્મચર્ય છે તેવું તેમણે કહ્યું હતું. બપોરે 2 વાગ્યાના અરસામાં અદાણી એરપોર્ટ ઉપરથી ખાનગી વિમાન દ્વારા પૂ. બાપુ રાજકોટ જવી નીકળી ગયા હતા. દરમ્યાન સાંજે 3 વાગ્યે કથાસ્થળના કાર્યાલય મધ્યે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સંગોઇ, પ્રમુખ રમેશભાઇ ગાલા, ટ્રસ્ટી હરેશ વોરા સહિતના પદાધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં નવ દિવસની રામકથા દરમ્યાન વિવિધ સમિતિઓના કન્વીનરો અને કાર્યકરોનો જાહેર આભાર માનવામાં આવ્યો હતો અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. રમેશભાઇએ જણાવ્યું કે, સૌના સાથ અને સહકારથી રામકથાનું વિશાળ કાર્ય સંપન્ન થયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer