સજ્જતા સાથે ફરી ધમધમ્યું દીન દયાલ પોર્ટ

સજ્જતા સાથે ફરી ધમધમ્યું દીન દયાલ પોર્ટ
ગાંધીધામ, તા. 16 : `વાયુ' વાવાઝોડાની સંભવિત અસરના કારણે સતર્કતાના ભાગ રૂપે દીન દયાલ પોર્ટને બે દિવસ બંધ રખાયા બાદ હાલ પોર્ટ સતર્કતા સાથે ધમધમતું થયું છે. વાવાઝોડું પુન: સક્રિય થઈ કચ્છ ઉપર ત્રાટકવાની કરાયેલી આગાહીના પગલે એકતરફ પોર્ટ પ્રશાસન દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે બીજીતરફ બે નંબરનું સિગ્નલ લગાવી વાવાઝોડાને ગંભીરતાથી લેવાનો પણ સંકેત આપ્યો છે. ડીપીટીના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીના જણાવ્યા પ્રમાણે પોર્ટની કાર્ગો અને ઓઈલ જેટી ઉપર આજે 16 જહાંજો લાગેલા છે અને હેન્ડલિંગની કામગીરીથી પોર્ટ ધમધમી રહ્યું છે. હાલ ઓઈલ અને કાર્ગો જટી ઉપર લાગેલા તમામ જહાંજો સિગ્નલ સ્ટેશનના સતત સંપર્કમાં છે. તમામ જહાંજના ક્રૂ મેમ્બર સહિત પવન અને દરિયાના કરંટ ઉપર સતત નજર રાખી રહ્યા છે. પોર્ટના ડેપ્યૂટી કર્ન્ઝવેટર કેપ્ટન. ટી. શ્રીનિવાસ દ્વારા તમામ જહાંજોને તેના એન્જિન અને એન્કરને કોઈ પણ કટોકટીની  પરિસ્થિતિ માટે તૈયાર રાખવા તાકીદ કરી છે. હાલ પોર્ટ આપત્તિ સામે સજ્જતા સાથે ધમધમી રહ્યું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 12ના `વાયુ' વાવાઝોડું સક્રિય થયા બાદ પોર્ટ ઉપર પ્રથમ બે નંબર અને બાદમાં 9 નંબરનું ભયજનક સિગ્નલ ફરકાવવામાં આવ્યું હતું. હાલ પણ બંદર ઉપર  દૂરની ચેતવણી દશાર્વતું બે નંબરનુ સિગ્નલ યથાવત્ હોવાનું ડીપીટી વેધશાળાના સૂત્રોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer