ભચાઉમાં ગોળીબાર કેસમાં હત્યાના પ્રયાસની ટોળાં સામે ફોજદારી : ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ભચાઉમાં ગોળીબાર કેસમાં હત્યાના પ્રયાસની ટોળાં સામે ફોજદારી : ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ગાંધીધામ, તા. 16 : ભચાઉ ખાતે ગત રાત્રિના હવામાં ગોળીબાર કરી બે યુવાનો ઉપર જીવલેણ હુમલો કરવાના ચકચારી બનાવ સંદર્ભે 15 જણા સામે હત્યાનો પ્રયાસ, મહાવ્યથા, હથિયાર ધારા સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ જીવલેણ હુમલાનો આ બનાવ ભચાઉના મહારાણા પ્રતાપ ગેટ પાસે રાત્રિના 11 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ મામલે ફરિયાદી આકીબઅલી અકબર  બ્લોચે આરોપીઓ કાનો અશોકસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, પૃથ્વીસિંહ હરિસિંહ જાડેજા, કેવલસિંહ પરમાર, ધર્મેન્દ્ર ઉર્ફે શિવમ જાડેજા, પ્રકાશ મોહનલાલ ભોજક અને 8થી 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ફરિયાદીની મજાક મસ્તી કરી બાઈકની લાઈટો તેમના મોં ઉપર નાખી બોલાચાલી કરી હતી. `આ ગામ અમારું છે, કોઈથી બીતા નથી, જે થાય તે કરી લ્યો'એવું કહી આરોપીઓ ચાલ્યા ગયા હતા. બાદમાં ફરિયાદી અને સાહેદ મહારાણા પ્રતાપ ગેટ પાસે ગયા હતા. ત્યાં ધોકા, લાકડી, તલવાર, ધારિયા અને રિવોલ્વર સહિતના હથિયારો સાથે આવ્યા હતા. આરોપી કેવલસિંહ પરમારે હવામાં ફાયરિંગ કર્યું હતું. બાદમાં  ફરિયાદીના માથા ઉપર રિવોલ્વર રાખી `આટલી વાર થશે -તેમ કહી બીજીવાર ઝઘડો કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી અને આરીફ અબ્દુલ ભટ્ટી ઉપર હુમલો કરી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. ભોગ બનનાર યુવાને અન્ય સંબંધીઓને ફોન કરીને બોલાવતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવના પગલે ભચાઉ સહિત જિલ્લામાં ભારે ચકચાર પ્રસરી છે. તો નોખી છાપ ધરાવતા વાગડની છાપ પુન: ઉપસી આવી છે. માંડવીમાં બંદૂકના ભડાકે યુવાનની હત્યાનો બનાવ, અંજારમાં પણ બેઝ બોલના ધોકા વડે હુમલો કરી યુવાનની નીપજાવાયેલી હત્યાનો બનાવ તાજો છે ત્યાં જીવલેણ હુમલાનો વધુ એક બનાવ બનતાં કાયદાની ધાક ઓસરી રહી હોવાનું સમજાય છે. તાજેતરમાં અંજાર તાલુકાના ખંભરામાં પણ બાઈક ટકરાવવાના મુદે ફાયરિંગ કરાયું હતું. આ અંગેની વધુ તપાસ ભચાઉ પી.આઈ.બી.એસ.સુથારે હાથ કરી છે. દરમ્યાન આ બનાવની ગંભીરતાને અનુલક્ષીને રેન્જ આઈ.જી.ડી.બી. વાઘેલા અને પૂર્વ કચ્છ પોલીસ વડા પરિક્ષિતા રાઠોડે આજે સવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને જાતમાહિતી મેળવી હતી. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે રાત્રિના જ નાકાબંધી સહિતનાં પગલાં લીધાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer