દુધઈ નજીક કારમાંથી 2.14 લાખનો શરાબ ઝડપાયો

દુધઈ નજીક કારમાંથી 2.14 લાખનો શરાબ ઝડપાયો
ગાંધીધામ, તા. 16 : ભચાઉ તાલુકાના દુધઈ નજીક પોલીસે કારમાંથી રૂા. 2.14 લાખની કિંમતના અંગ્રેજી પ્રકારના શરાબનાં જથ્થા સાથે પોલીસપુત્ર સહિત ત્રણ શખ્સને ઝડપી પાડી શરાબની ખેપ નિષ્ફળ બનાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે દુધઈ પોલીસે ભુજ-ભચાઉ હાઈવે ઉપર જલારામ હોટલ પાસે આજે બપોરે 3 વાગ્યાના અરસામાં કાર્યવાહી કરી હતી. બાતમી મુજબ શરાબનો જથ્થો ભરેલી બે કાર પસાર થતાં તેને રોકી હતી. ઈનોવા કારનું પાઈલટિંગ કરતી જીજે.12. બીએફ. 1993 નંબરની હોન્ડા સિટી કારમાંથી આરોપીઓ ભાવિક કિરીટ સરદાર અને પોલીસ કર્મચારીના પુત્ર કુલદીપસિંહ ઉર્ફે ભગીરથસિંહ લખપતસિંહ ઝાલાના કબ્જામાંથી અંગ્રેજી પ્રકારના શરાબની બે નંગ બોટલો કબ્જે કરાઈ હતી. જ્યારે જીજે.18. એબી. 5242 નંબરની ઈનોવા કારમાંથી અંગ્રેજી પ્રકારના શરાબની ભારતીય બનાવટની 456 નંગ બોટલો આરોપી કિરીટસિંહ ગોપાલસિંહ સરદારના કબ્જામાંથી ઝડપી પાડવામાં આવી હતી. ઝડપાયેલા શરાબના જથ્થાની કિંમત રૂા. 2.14 લાખ આંકવામાં આવી છે જ્યારે શરાબનો જથ્થો આપનારા કવિરાજ નામના ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આ કાર્યવાહી દરમ્યાન શરાબની હેરાફેરીમાં વપરાયેલી 12 લાખની કિંમતની ઈનોવા અને હોન્ડા સિટી કાર પણ કબ્જે કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer