પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ કેળવાય તેવી કાર્યવાહી માટે કાયદો કટિબદ્ધ

પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ કેળવાય તેવી કાર્યવાહી માટે કાયદો કટિબદ્ધ
ભચાઉ, તા. 16 : નગરમાં ગત રાત્રિના અરસામાં હવામાં ગોળીબાર કરી બે યુવાન ઉપર  કરાયેલા હુમલા જેવા વધુ બનાવો ન બને અને પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વવાસ કેળવાય તે માટે પોલીસ પ્રશાસન કટિબદ્ધ હોવાનું ભચાઉ ડીવાય.એઁસ.પીએ જણાવ્યું હતું. ભચાઉ વિભાગના નાયબ પોલીસ વડા કે.જી.ઝાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઈકાલના બનાવ સંદર્ભે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરાયો છે. ફરિયાદીને પોલીસ પ્રત્યે વિશ્વાસ કેળવાય તે રીતે પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. ગત રાત્રિના બનાવ બાદ ભોગ બનનાર યુવાન ફરિયાદ કરવા નહોતા માગતા પરંતુ તેમને સમજાવી  મોડી રાત્રે ફરિયાદ નોંધાવી છે. તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચાર ટીમ બનાવી હોવાની માહિતી તેમણે આપી હતી. શ્રી ઝાલાએ વધુમાં ઉમેર્યું હતું કે અગાઉ આ પ્રકારના બનાવો જેવા પોલીસની જાણમાં આવ્યા છે ત્યારે તુરંત કાર્યવાહી  કરાઈ છે. શાળા કોલેજો પાસે પોલીસ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ પણ કરાતું હોવાનું જણાવ્યું હતું. લોકો અને પોલીસ નજીક આવે તે માટે લોક દરબાર સહિતના કાર્યક્રમો અવાર નવાર યોજાય છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પોલીસ પ્રજાની મિત્ર બનીને ચૃક્કસ કાર્યવાહી કરશે તેવું તેમણે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer