વટસાવિત્રીની પૂર્વ સંધ્યાએ જ `વડ'' છેદન

વટસાવિત્રીની પૂર્વ સંધ્યાએ જ `વડ'' છેદન
નખત્રાણા, તા. 16 : વટ સાવિત્રીના વ્રતની પૂર્વ સંધ્યાએ શનિવારે અહીંના એસ.ટી. તંત્રે અંધારાના ઓળા ઊતરવાની સાથે જ નડતર વિનાના લીમડા-પીપળા તેમજ વડના લીલા વૃક્ષોનું જેસીબી તેમજ કુહાડીના પ્રહાર દ્વારા છેદન કરી નિકંદન કાઢતાં પ્રવાસીઓ તેમજ નગરજનોમાં એસ.ટી. તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ?હતી. નવા ઉદ્ઘાટન પામેલા અને શરૂઆતથી જ વિવાદમાં રહેલા અહીંના બસ સ્ટેશનનું કામ અધૂરું છોડી દેવાયું છે ત્યારે અપૂરતી સગવડ ધરાવતા તેમજ બેઠક વ્યવસ્થા વગરના અહીંના બસ સ્ટેશનમાં આ વૃક્ષો કાળઝાળ ગરમીમાં  શીતળ છાંયડો  આપવાની સાથે મુસાફરો માટે આશીર્વાદરૂપ હતા. લીલાછમ વૃક્ષો પર જેસીબી તેમજ કુહાડીના પ્રહાર થતા હતા,  તેમ તેમ લોકોના હૃદયમાં ઘા લાગતા હતા. તેમજ એસ.ટી. તંત્ર સામે  તિરસ્કારની  લાગણી લોકો વ્યકત કરતા હતા. રાજ્ય સરકાર વનીકરણ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવા પર્યાવરણ બચાવવા પ્રોત્સાહિત કરે છે ત્યારે ટ્રાફિકને  અડચણ વગરના આ દાયકાઓ જૂના લીલા વૃક્ષોનો સોથ કાઢી નાખવામાં આવતાં શું  ફાયદો થશે ? એસ.ટી. તંત્ર દાવો કરી રહ્યું છે કે, સંકલન સમિતિની બેઠકમાં વૃક્ષો કાપવાનો હુકમ મળ્યો છે. શું વનતંત્ર દ્વારા લીલા વૃક્ષો કાપવાની  (સામાજિક વનીકરણ) દ્વારા  મંજૂરી મળી છે ? અને જો મંજૂરી મળી હોય તો નડતરરૂપ નથી તેવું જોયા જાણ્યા વગર આ વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે ? આ સઘળી વિગતોની જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઇ દ્વારા એસ.ટી. તંત્ર તેમજ સંલગ્ન  તંત્રો પાસે માગણી કરાઈ છે. શનિવારે જ્યારે આ વૃક્ષો પર વજ્રઘાત થતો હતો ત્યારે કોઇપણ જાતની આગોતરી જાણ વગર શનિવારે સાંજે 7.30થી 9 વાગ્યા સુધી તેમજ રવિવારે 9થી 10 વાગ્યા સુધી એસ.ટી. તંત્રે વીજ પુરવઠો બંધ કરાવી નગરજનોને રીતસર બાનમાં લીધા હતા. તો શનિવારે આ વૃક્ષોનું છેદન થતું હતું તેમજ જાગૃત નાગરિકોએ સખત વિરોધ નોંધાવતાં એસ.ટી. અધિકારી સાથે લોકોની ચડભડ થઇ?હતી તેમજ પોલીસ બોલાવી  રોફ જમાવ્યો હતો. તો કોણે મંજૂરી આપી તેનો પત્ર પણ એસ.ટી. સત્તાવાળાઓએ બતાવ્યો ન હતો. આ ઝાડોનું છેદન, સોથ નીકળવાની સાથે એસ.ટી. તંત્ર સામે રાજેન્દ્રભાઇ જી. જોષી, જીતુભા એલ. જાડેજા, તુલસીદાસ વી. સોની, જયેશ એમ. સોની, રતાભાઇ રબારી, હિમ્મત રાજગોર, ધનસુખ ઠક્કરે સખત વિરોધ નોંધાવી આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer