સંગઠન ક્ષેત્રે સમાજ બંધુત્વની ભાવનાને અનુસરે

સંગઠન ક્ષેત્રે સમાજ બંધુત્વની ભાવનાને અનુસરે
મોટા ભાડિયા (તા. માંડવી), તા. 16 : અખિલ કચ્છ ચારણ સભાના ઉપક્રમે આજે ભુજમાં આવેલા વિશ્રાંતિ ભવન ખાતે સમાજના અધ્યક્ષ વિજયભાઇ ગઢવીના અધ્યક્ષ સ્થાને સભા યોજાઇ હતી. કચ્છભરમાંથી ઊમટેલા સમાજના લોકોએ પ્રમુખની મુદ્દત આજે પૂર્ણ થતાં આગામી ત્રણ વર્ષ માટે સર્વસંમતિથી સતત ચોથી વખત વિજયભાઇ પર પસંદગીનો કળશ ઢોળતાં સમાજે તેમની વરણીને હર્ષભેર વધાવી લીધી હતી. બેઠકમાં સમાજની વિવિધ?સંસ્થાઓના હિસાબો ઉપરાંત ભુજમાં સૂચિત કન્યા છાત્રાલયના નિર્માણ સહિત શૈક્ષણિક પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી. વડીલોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સ્વાગત પ્રવચન કરતાં કે.ડી.સી.સી. બેંકના ચેરમેન દેવરાજભાઇ ગઢવીએ મિટિંગની કાર્યવાહીથી સૌને અવગત કર્યા હતા. પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ જણાવ્યું કે, સંગઠન ક્ષેત્રે સમાજ કાયમને માટે બંધુત્વની ભાવનાને અનુસરે. સમાજમાં રહેલી શક્તિને હકારાત્મકતાના માર્ગે વાળવા અનુરોધ કર્યો હતો. અ.ભા.ચા.સ.ના ઉ.પ્ર. દેવીદાનભાઇ ગઢવી, અબડાસા તા.પં.ના  પૂર્વ પ્રમુખ મૂળરાજભાઇ ગઢવીએ પ્રસંગોચિત ઉદ્બોધન  કર્યું હતું. આ અવસરે  કરશન ગઢવી, સાહિત્યકાર ડાયાભાઇ ગઢવી, હેમુભા અયાચી, ભગવાનભાઇ  અયાચી, રાણશીભાઇ ગઢવી સહિતનાઓએ સૂચનો કર્યાં હતાં. ધનજીભાઇ ગઢવીએ હિસાબો રજૂ કર્યા હતા, જેને સમાજે બહાલી આપી હતી. ભુજ બોર્ડિંગના નિર્માણકાર્યમાં સહભાગી થયેલા દાતાઓને સમાજે સન્માન્યા હતા. સમાજના મોભી મંત્રી ભીમશીબાપાની સેવાઓને બિરદાવાઇ હતી. વરિષ્ઠ ધારાશાત્રી દેવરાજભાઇના સામાજિક તર્પણના કાર્યની પણ અનુમોદના કરાઇ હતી. અ.ભા.ચા.સ.ના યુવા પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ વરાયેલા મોમાયાભાઇ ગઢવી (આદિપુર)ને સમાજે સત્કાર્યા હતા. સામાજિક વિકાસ માટે આજે વધુ 4,01,000નું દાન આપનારા દાતાઓમાં રૂા.?3,50,000 મોમાયાભાઇ પરબતભાઈ ગઢવી? (આદિપુર), 51,000 દેવરાજ નારાણ ગઢવી (કાઠડા)એ દાન આપ્યું હતું. પુન: અધ્યક્ષપદે વરાયેલા વિજયભાઇ ગઢવીએ સમાજે મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા સાથે આભારની લાગણી વ્યક્ત કરી નવા ત્રણ?ઉપપ્રમુખો આનંદ હરિદાનભાઇ ગઢવી, કાનજી જેઠાભાઇ ગઢવી, દેવરાજ હરિભાઇ ગઢવી તથા ભુજ સમાજની યુવા ટીમ માટે આશિષ?આઇદાન ગઢવીની વરણી કરી હતી. ગઢવી સમાજ જિલ્લાના મહિલા પ્રમુખ તરીકે હેમલતાબેન ગઢવીને સ્વીકૃત કર્યા હતા. સમાજના અગ્રણી દાનવીરો ઇશ્વરભાઇ ગઢવી, પ્રભુભાઇ ગઢવી, જબ્બરદાનભાઇ ગઢવી, મોરારદાનભાઇ ઝુલા, અરવિંદભાઇ ગઢવી, રાણશીભાઇ ગઢવી (ઉપપ્રમુખ-માંડવી તા.પં.), નારાણભાઇ ગઢવી (રાયણ), પી. સી. ગઢવી સહિત બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ?એડ. પ્રભુદાનભાઇ ગઢવીએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer