ગાગોદરમાં પ્રસૂતિગૃહનું લોકાર્પણ

ગાગોદરમાં પ્રસૂતિગૃહનું લોકાર્પણ
ગાગોદર (તા. રાપર), તા. 16 : અહીંના હાઇ રિસ્ક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિગૃહનું  લોકાર્પણ કરાયું હતું તે સાથે યોજાયેલા કેમ્પમાં તમામ સગર્ભા માતાઓની તપાસ કરી સોનોગ્રાફી અને લેબોરેટરી પરીક્ષણ કરી સારવાર અપાઇ હતી. ઉદ્ઘાટા જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ તાલુકાની તમામ સગર્ભાનું તબીબી પરીક્ષણ, સોનોગ્રાફી અને લેબોરેટરીની  વ્યવસ્થા માટે માર્ગદર્શન આપ્યું હતું. અગ્રણી વાઘજીભાઇ પ્રજાપતિ તેમજ ઇએમઓ ડો. કુર્મીએ પણ સગર્ભા માતાઓને માર્ગદર્શક સંબોધન કર્યું હતું. કેમ્પમાં 190ની સોનોગ્રાફી અને તપાસ, 13ને આયર્ન સુક્રોઝ ઇન્જેકશન તેમજ 620 સગર્ભાની લેબ તપાસ કરાઇ હતી. દરમ્યાન, 300માંથી 210 સગર્ભાની લેબોરેટરી થતાં 121 હાઇ રિસ્કવાળી નીકળી હતી પરિણામે તબીબો ચોંકી ઊઠયા હતા અને આરોગ્ય ક્ષેત્રની ઉણપ છતી થઇ હતી. સગર્ભા અને બાળ માતૃ કલ્યાણ કેન્દ્રોની ગંભીર ક્ષતિ આ વિસ્તારમાં નીકળે તેવી સંભાવના જાગૃતો વ્યક્ત કરી રહ્યા છે. આ નિદાન કેમ્પમાં સરપંચ દેવાભાઇ ભરવાડ, અનોપસિંહ જાડેજા, મોડજીભાઇ રાજપૂત,મહાદેવભાઇ જોગુ, માયાભાઇ વાઘેલા, ટીએચઓ ડો. પોલ, ડો. ક્રિષ્નકાંત વાઘેલા , ડો. જિગર પટેલ  , ડો.  પાર્થ ભટ્ટ , ડો. પરેશ પટેલ (એમ.ઓ. આડેસર), ડો. વૃત્તિકાબેન , ડો. પ્રફુલભાઇ, હાજર રહ્યા હતા. કેમ્પમાં વેલુબેન શિવજી ભાણજી શાહ પરિવાર, મુંબઇ મલાડ તરફથી ભોજનની વ્યવસ્થા રખાઇ હતી. કેમ્પમાં જશવંતભાઇ પરમાર, આરોગ્ય કર્મચારી અને આશા બહેનોએ સેવા આપી  હતી. સંચાલન નાનજીભાઇ ભલાણીએ તથા આભારવિધિ રામજીભાઇ પરમારે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer