આદિપુરમાં સુધરાઇથી ઉપેક્ષિત વિસ્તારોમાં સુવિધાનો અભાવ જીવન દુષ્કર બનાવે છે

આદિપુરમાં સુધરાઇથી ઉપેક્ષિત વિસ્તારોમાં સુવિધાનો અભાવ જીવન દુષ્કર બનાવે છે
ગાંધીધામ, તા. 16 : આદિપુરના અમુક વિસ્તારોમાં પાલિકા સફાઇ કે વિકાસકામો કરવા અંગે પક્ષપાતભર્યું વલણ?અપનાવતી હોવાના અગાઉ અનેક વખત આક્ષેપ થયા છે, હવે કેસરનગર, મણિનગર વિસ્તારમાં સાફ-સફાઇનો અભાવ, ઊભરાતી ગટરો આ વાતની સાક્ષી પૂરી રહી છે. આદિપુરના અમુક વિસ્તારોમાં પાલિકાના હોદ્દેદારો અને સત્તાધિશોને વિકાસના કામ કરવામાં રસ જ ન હોય તેમ અમુક વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી વિકાસના કામ થતાં જ નથી. પાલિકા દ્વારા ઉપેક્ષિત આવા વિસ્તારોના લોકોને પણ વિકાસકામોમાં રસ ન હોય તેમ લોકો પણ?પોતાની સુખાકારીની સુવિધાઓ માટે અવાજ ઉપાડતા નથી. આવા વિસ્તારોમાં અપૂરતું પાણી, દીવાબત્તીનો અભાવ, વરસાદી નાળાં સફાઇનો અભાવ, રખડતા આખલા, ઊભરાતી ગટરો વગેરે સમસ્યાઓ વચ્ચે લોકો મૂંગા મોઢે જીવી રહ્યા છે. કેસરનગર અને મણિનગર વચ્ચે આવેલા મેદાનમાં છેલ્લા કેટલાક સમયથી દબાણની પ્રવૃત્તિ કરી ત્યાં રીતસર દુકાનો ખડકી દેવાઇ?છે. તો અમુકોએ કાર પાર્કિંગ માટે?શેડ બનાવ્યા છે, તો અમુક આસપાસના ગાય-ભેંસના વાડીના સંચાલકો આ મેદાનમાં કચરો ફેંકી જતા હોય છે. મેદાન ઉપર રહેલો આ કચરો ઊભરાઇને રોડ સુધી આવી જતો હોવાથી અહીંથી પસાર થવું દુષ્કર થઇ?પડતું હોય છે. અધૂરામાં પૂરું આ મેદાનમાં ઊભા રહેતા આખલાઓ વચ્ચે દરરોજ યુદ્ધ છેડાતું હોય છે અને લોકો તેની હડફેટે ચડતા હોય છે. અહીંથી પસાર થનારા કોઇનો વ્હાલસોયો કે ઘરમાં કમાનાર એકની એક વ્યક્તિનું જીવન ખપ્પરમાં હોમાઇ જાય પાલિકા તેની રાહ જોઇ રહી છે ? તેવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે. જો આ મેદાનમાં થતા દબાણો નહીં અટકાવાય અને અહીં કચરો ફેંકતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં તેના ગંભીર પરિણામ આવશે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer