આજે કચ્છભરના તબીબો હડતાળ પર

ભુજ, તા. 16 : પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટર પર થયેલા હિચકારા હુમલા બાદ સમગ્ર ભારતમાં તેના પડઘા પડયા છે અને તમામ સરકારી-ખાનગી તબીબો દ્વારા સલામતી પૂરી પાડવાની માંગ સાથે વિરોધ નોંધાવાઇ રહ્યો છે. તે અંગર્તત આવતીકાલે કચ્છભરના તબીબો પણ ઇમરજન્સી સિવાય તમામ સારવારથી અળગા રહી વિરોધ નોંધાવશે. કોલકાતાના ડોક્ટર પર થયેલા હુમલાના બનાવ બાદ સમગ્ર ભારતના તબીબો દ્વારા સલામતીના પ્રશ્ને આંદોલન ચલાવાઈ રહ્યું છે. ફરજ પરના ડોક્ટરોની સલામતી માટે કાયદો બને અને હુમલાખોરો પર પગલાં લેવાય તેવી માંગ સાથે છેલ્લા છ દિવસથી ચાલતા વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો બાદ આવતીકાલે તા. 17ના કચ્છના ઇન્ડિયન મેડિકલ એસો.ના તમામ સંગઠનો હડતાળમાં જોડાશે. જો કે આ તબીબો ઇમરજન્સી સેવા અથવા તો કુદરતી આફતના સમયે જરૂર પડે સેવા આપવા ખડેપગે રહેશે તેવી ખાતરી આપી છે. દરમ્યાન ભુજની જી. કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. એન. એન. ભાદરકાએ જણાવ્યું હતું કે, આઇએમએના હડતાળના એલાનને અમારું સમર્થન છે પરંતુ જી. કે. જનરલ હોસ્પિટલમાં ઇમરજન્સી તથા ઓપીડી સહિતની તમામ આરોગ્યને લગતી સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે તેથી દર્દીઓને હાલાકી પડશે નહીં. દરમ્યાન, ભુજ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના અપાયેલા હડતાળના એલાનમાં અહીંની લાયન્સ હોસ્પિટલના તબીબો પણ જોડાયા છે અને તા. 17/6ના સવારે 6 વાગ્યાથી તા. 18/6ના સવારે 6 વાગ્યા સુધી ઈમરજન્સી સિવાયની સેવાથી અળગા રહેશે, પરંતુ ડાયાલિસીસ અને કુદરતી આફતો  થકી ઊભી થતી ઈમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે, તેવું  હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ મહેતા અને મીડિયા કન્વીનર નવીન મહેતાની યાદીમાં જણાવાયું છે. બીજી તરફ અંજાર ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા અપાયેલા હડતાળના એલાનને પગલે દરેક હોસ્પિટલ, ક્લિનિક, નર્સિંગહોમ, લેબોરેટરી તેમજ રેડિયોલોજિસ્ટ સર્વિસ સહિતની તમામ તબીબી સેવાઓ બંધ રહેશે. પરંતુ ઈમરજન્સી માટે સેવા ઉપલબ્ધ કરાશે તેવી ઈન્ડિયન મેડિકલ એસો.ની યાદીમાં જણાવવામાં આવેલું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer