વાયુ નબળું પડયા છતાંય આજે કચ્છમાં વરસાદની વકી

અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. જો કે, તેની તીવ્રતા ઘટી રહી છે પરંતુ હજુ પણ ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે તંત્ર એલર્ટ પર છે.  વાયુ વાવાઝોડું  સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે. 17 જૂનની મધરાતે આ વાવાઝોડું કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં ટકરાશે. તો આગામી 12 કલાકમાં સાયક્લોન ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવાઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમ 440 કિ.મી. દૂર છે, જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 550 કિ.મી. દૂર છે. વાયુ વાવાઝોડું પ્રતિ કલાક 8 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. કચ્છના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવા જઇ રહ્યું છે ત્યારે દરિયાકાંઠે ઊંચાં મોજાં ઉછળશે અને ભારે પવન ફૂંકાશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની  પણ આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્ર એલર્ટ છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. ખાસ કરીને કચ્છ ઉપરાંત દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળશે. વાયુ વાવાઝોડાએ યુ ટર્ન લીધો છે ત્યારે વાવાઝોડાને લઈને કંડલા પોર્ટ પ્રશાસન સતર્ક બન્યું છે. સિગ્નલ સ્ટેશન પર કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવામાન વિભાગના નિર્દેશ મુજબ હાલમાં પોર્ટ પર કામગીરી કરવામાં આવી રહી છે. તમામ જેટીઓ પર જહાજનું બર્થિંગ પણ કરવામાં આવ્યું છે. માંડવી બીચ પણ ખાલી કરી દેવામાં આવ્યો છે.  માંડવીના દરિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. હાલ સંભવિત વાવાઝોડાના પગલે મુંદરા અને માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે. કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રાંત અધિકારીઓ સાથે બેઠક કરીને પોતાના સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.  વાયુની સંભવિત અસરથી બચવા માટે કચ્છમાં સરકાર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. કચ્છ પ્રસાશન દ્વારા આ બાબતે કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે, તો રેસ્કયૂ તેમજ બચાવ-રાહત કામગીરીને ધ્યાને રાખીને એનડીઆરએફ અને બીએસેફની ટીમ તૈનાત રખાઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer