માંડવીથી અબડાસા સુધીનો કાંઠાળ પટ્ટ એલર્ટ

ભુજ, તા. 16 : કચ્છ પર ઝળૂંબી રહેલું `વાયુ' વાવાઝોડું હાલ ભુજથી નૈઋત્ય ખૂણે 550 કિ.મી. દૂર અરબી સમુદ્રમાં છે તે હવે ઉત્તર દિશા તરફ ફંટાઇ વાયવ્ય ખૂણે આગળ ધપશે. તેની તીવ્રતા ધીરે ધીરે કમજોર પડી રહી છે. આથી માંડવીથી અબડાસા સુધીના કાંઠાળ પટ્ટમાં ભારે વરસાદની સંભાવનાના પગલે તુત્ર એલર્ટની મુદ્રામાં છે. નિવાસી નાયબ કલેક્ટર કે. એસ. ઝાલાએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું કમજોર પડયાનો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે પરંતુ કચ્છના સમુદ્રકાંઠે ભારે વરસાદ પડવાની સંભાવનાના પગલે સમગ્ર સ્થિતિ પર તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભારે વરસાદ બાદ દરિયાઇ કાંઠાના વિસ્તારોને ખાલી કરાવી લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે માટે તંત્ર સજ્જ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, અગરિયાઓને અગરોમાં ન મોકલવા પણ સૂચના આપી દેવાઇ છે. શ્રી ઝાલએ વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છમાં એનડીઆરએફની પાંચ ટીમ હાજર છે. જેને અલગ અલગ સ્થાનો પર તૈનાત કરી દેવાઇ છે. આ ઉપરાંત બીએસએફનીય બે ટીમ હાથવગી રખાઇ છે. પરિસ્થિતિને અનુલક્ષીને દરેક પ્રાંત અધિકારીઓ તેમજ અન્યોને એલર્ટ કરી દેવાયાનું શ્રી ઝાલાએ ઉમેર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે,  વાયુ યુ-ટર્નમાં કમજોર થયું છે. માંડવીથી લઇને અબડાસા સુધીની કાંઠાળ પટ્ટીમાં ટકરાવાની સંભાવનાના પગલે  બધા જ કર્મચારીઓને  હેડ ક્વાર્ટર ન છોડવાની સ્પષ્ટ સૂચના આપી દેવાઇ છે. ઉપરાંત આ વિસ્તારમાં પ્રચાર-પ્રસાર કરાવી લોકોને જાગૃત રહેવા સૂચના અપાઇ?રહી છે. વધુમાં અંતરિયાળ ક્ષેત્રના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને દરિયાઇ કાંઠા વિસ્તારોમાં ગોઠવી દેવાયા છે. આમ કોઇપણ ગંભીર આપદા પરિસ્થિતિ વચ્ચે આરોગ્યને  લગતી કોઇ કચાશ ન રહે તેની તકેદારી રખાઇ છે. આમ સમગ્ર સ્થિતિને પહોંચી વળવો ખાસ કરીને માંડવીથી લઇને અબડાસાની દરિયાઇ પટ્ટી એલર્ટ પર છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer