કચ્છનો પાણીપ્રશ્ન હાઈકોર્ટમાં પહોંચ્યો

ભુજ, તા. 16 : કચ્છની દૈનિક કુલ 450 એમએલડીની જરૂરત સામે 500 એમએલડી પાણી ઉપલબ્ધ હોવા છતાં કચ્છ પાણી માટે તરસ્યું રહેતું હોવા બાબતે કોંગ્રેસના પ્રદેશ અગ્રણી દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી  દાખલ કરાઈ છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ આદમભાઈ ચાકીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં  પાણીની જરૂરિયાત સામે ઉપલબ્ધ પાણી પૂરતું હોવા છતાં છેલ્લા ઘણા સમયથી લોકોને પીવાનું પાણી અને પશુઓને પણ પીવા માટે પૂરતું પાણી મળતું નથી.  તે બાબતે  તેમણે અને લોકોએ વહીવટી તંત્ર તેમજ સરકાર પાસે લેખિતમાં ઘણા સમયથી માગણી કરવા છતાં  તંત્રે પાણીની આ સમસ્યા માટે આજ દિન સુધી કોઈપણ જાતની  દરકાર લીધી નથી. જેથી લોકહિતના કારણે  પીઆઈએલ કરવાની ફરજ પડી છે.  કચ્છના દસ તાલુકા તેમજ કુલ 875 ગામો તેમજ છ શહેર આવેલા છે. તેમાં ગ્રામ્ય વસ્તીમાં  17,80,000 તેમજ શહેરી વિસ્તારમાં 7,25,000  અને પશુઓની વસ્તી તેથી પણ વધુ  છે તેવા સરકારના રેકર્ડ પરથી વસ્તીના આંકડા હાઈકોર્ટમાં રજૂ કર્યા છે. કચ્છ જિલ્લા પાણી પુરવઠામાંથી મળેલી માહિતી હાઈકોર્ટમાં રજૂ કરી છે તેમાં  કચ્છને દૈનિક 171 એમ.એલ.ડી. પાણી ગામડા માટે અને શહેરી વિસ્તાર માટે 101 એમ.એલ.ડી.  પાણી, ઔદ્યોગિક વિસ્તાર માટે 102 એમએલડી. પાણી અને પશુઓ માટે 76 એમ.એલ.ડી. પાણી મળી 450 એમ.એલ.ડી. પાણીની જરૂરત છે.  જેની સામે પાણી પુરવઠાએ આપેલી માહિતી મુજબ સ્થાનિક 746 બોરોમાંથી 120 એમ.એલ.ડી., નર્મદામાંથી 350 એમ.એલ.ડી. તેમજ 30 એમ.એલ.ડી. પાણી અન્ય સ્રોતમાંથી અને સંસ્થાઓ પાસેથી આવે છે. આમ કુલ 500 એમ.એલ.ડી. પાણી ઉપલબ્ધ છે.  તો આ પાણી કયાં જાય છે ? તેવા સવાલ ઉઠાવી કચ્છના તમામ લોકો ખાસ કરીને દુર્ગમ અને સરહદી વિસ્તારમાં મહિને મહિને લાઈનમાં પાણી મળતું નથી તે લોકોને દૈનિક પાણી મળે તેવું આયોજન થાય એવી હાઈકોર્ટમાં અરજ કરી છે. ભુજ શહેરમાં  અઠવાડિયામાં ચાર-પાંચ દિવસ રહીને પાણી મળે છે તેને પણ રોજેરોજ પૂરતું પાણી મળવું જોઈએ. કચ્છના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના  લોકોને તેમના વિસ્તારમાં  કેટલા દિવસે પાણી આવે છે તે બાબતનો અહેવાલ તેમની કચેરીએ મોકલવા શ્રી ચાકીએ અનુરોધ કર્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer