યોગ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ

હેમંત ચાવડા દ્વારા - ભુજ, તા. 16 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2014ના કરાયેલા પ્રયત્નો થકી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 21મી જૂનને `આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' જાહેર કર્યો છે ત્યારથી વિશ્વભરમાં યોગદિનની ઉજવણી કરાઇ રહી છે. યોગ એ ભારતીય સંસ્કૃતિનું પ્રાચીનકાળથી અભિન્ન અંગ રહ્યું છે, યોગ એટલે શરીર અને મનનું આત્મા સાથે જોડાણ. આથી જ યોગ એ કોઇ પણ જાતિ, ધર્મ, દેશ વગેરે આયામોથી પર છે. આગામી 21મી જૂને કચ્છના વહીવટી તંત્ર દ્વારા યોગદિનની ઉજવણી માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં નોડેલ અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિનાં માર્ગદર્શન હેઠળ અને જિલ્લા રમતગમત અધિકારી રોહિત પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મેહસીનખાન પઠાણનાં સંકલન હેઠળ જિલ્લામાં કુલ્લ 2410 સ્થળે એક સાથે લોકો યોગા કરશે. આ અંતર્ગત જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ ભુજના આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિશાળ મેદાનમાં યોજાશે, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ, અધિકારીઓઁ, શાળાના વિદ્યાર્થીઓ યોગમાં જોડાશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના અન્ય ચાર સ્થળે યોગના કાર્યક્રમ યોજાશે, જેમાં ભુજની સંસ્કાર સ્કૂલ, ઓફ્રેડ હાઇસ્કૂલ, સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય, મિરજાપર અને સ્વામિનારાયણ સ્કૂલ, સંસ્કારનગર ખાતે આયોજન કરાયું છે, તેવી જ રીતે દરેક તાલુકા કક્ષાએ બે-બે સ્થળે યોગા કરાવાશે. જેમાં ભુજ તાલુકામાં વી.ડી. હાઇસ્કૂલ અને માધાપરની એમ.એસ.વી. હાઇસ્કૂલ, માંડવીમાં રામકૃષ્ણ હાઇસ્કૂલ અને સ્વામિનારાયણ ગુરુકુળ, અંજારમાં કે.જી. માણેક સ્કૂલ, મુરલીધર વિદ્યાલય, ગાંધીધામમાં ડો. સી.જી. હાઇસ્કૂલ અને ગોપાલપુરી સ્ટેડિયમ, ભચાઉમાં સંધ્યાગિરિબાપુ વેદ વિદ્યાલય, સામખિયાળી અને આધોઇના ગોપાલાનંદ વિદ્યાલય, રાપરના સ્વામિ. ગુરુકુળ અને સરકારી સ્કૂલ, લખપતમાં પી.એમ. લીંબાણી સ્કૂલ-દયાપર અને એસ.કે.વી. વિદ્યાલય વર્માનગર, અબડાસામાં વી.એલ. હાઇસ્કૂલ, જંગલેશ્વર મેદાન અને સારસ્વતમ કન્યા વિદ્યાલય-નલિયા, નખત્રાણામાં કચ્છ કડવા પાટીદાર બોર્ડિંગ અને કુ. ટી.ડી. વેલાણી કન્યા વિદ્યાલય તેમજ મુંદરાના શાત્રી મેદાન અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સહિતનાં સ્થળોએ યોગાના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ભુજના છતરડીવાળા ગાર્ડનમાં, રાજેન્દ્રબાગ, હિલગાર્ડન, આયના મહેલ, પુનિત વન, બી.એસ.એફ.ની 108મી બટાલિયન, નવચેતન અંધજન મંડળ-માધાપર, પાલારા અને ગળપાદર જેલ, માંડવી બીચ, બિદડા સર્વોદય ટ્રસ્ટ, આર્મી (ગળપાદર), દીન દયાળ પોર્ટ ટ્રસ્ટ, કંડલા, માતાના મઢ, કોટેશ્વર, લખપત કિલ્લો સહિતના 2410 સ્થળે સરકારી તથા ખાનગી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, કચ્છમાં આવેલા ઉદ્યોગોના અધિકારીઓ, કામદારો, પોલીસ, નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો સહિત અંદાજે 4.70 લાખ?લોકો યોગદિને યોગમય બનશે. યોગદિનને અનુલક્ષીને તંત્ર દ્વારા દરેક સ્થળે યોગ કરાવી શકે તેવા યોગ શિક્ષકોને માસ્ટર ટ્રેઇનરો દ્વારા તાલીમ અપાઇ રહી છે. જેમાં દરેક શાળાના વ્યાયામ શિક્ષકો, પતંજલિ, આર્ટ ઓફ લિવિંગ અને બ્રહ્માકુમારીના તજજ્ઞો સહયોગ આપી રહ્યા છે. અત્રે ઉલ્લખનીય છે કે, 2014માં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા 21મી જૂનને `આંતરરાષ્ટ્રીય યોગદિન'  તરીકે ઉજવવાની જાહેરાત થયા બાદ છેલ્લા ત્રણ વર્ષથી ભારત સહિતના દેશોમાં યોગદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer