હરિયાણાના વેપારીનો 13 લાખનો માલ પડાવી લેવા મામલે બે જણ સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 16 : હરિયાણાના વેપારીએ મંગાવેલો રૂા.13 લાખની કિંમતનો માલ બળજબરીપૂર્વક ઉતારી લેવાના મામલે ગાંધીધામના બે શખ્સ સામે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે. બીજી બાજુ અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં બંધ મકાનમાંથી તસ્કરો રોકડ રકમ, દાગીના સહિતની મતા તફડાવી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે હરિયાણાના રોહતક ખાતેના વેપારી રામઅવતાર પ્રેમચંદ પંચાલે ગાંધીધામ ખાતે રહેતા બે આરોપીઓ રામજીભાઈ અને સુશાંત શર્મા સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંજાર તાલુકાના ભીમાસર ગામની સીમમાં બન્યો હતો. ગત તા.8 જૂનના રાત્રિના 9.30 વાગ્વયાના અરસામાં બનેલા બનાવ અંગે મળતી વિગતો મુજબ આરોપી રામજીભાઈ અને ફરિયાદી વચ્ચે પૈસાની લેતી-દેતી બાકી હતી. ફરિયાદીએ પાઈપ અને મરંડીના પાટિયાનો માલ મંગાવ્યો હતો. 380 કયુબિક મીટરના આ માલની કિંમત રૂા.13.57 લાખ આંકવામાં આવી છે. આ માલ આરોપી સુશાંતના જીજે.12. બીડબલ્યૂ. 9250 વાળા મારફતે ફરિયાદી વેપારીએ મંગાવેલો માલ રવાના કરાયો હતો. રૂપિયાની લેતી-દેતીનો હિસાબ સરભર કરવા માટે રૂા.13 લાખનો આ માલ આરોપીઓઁએ બળજબરીપૂર્વક ઉતરાવી લીધો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં  ઘરફોડ ચોરીનો બનાવ ગત તા. 12 જૂનના સાંજે 6 વાગ્યાથી તા. 13 જૂનના બપોરે 1 વાગ્યાના અરસામાં કાવેરી નગર સોસાયટીમાં બન્યો હતો. તસ્કરોએ બંધ ઘરના તાળાં તોડી અંદર પ્રવેશી તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના રોકડા રૂા.6 હજાર અને અલ્ટો કારની ચાવી સહિત 12 હજારની મતા તફડાવી રફુચક્કર થઈ ગયા હતાં. તસ્કરોએ એ.સી. ચાલુ કરી 90 ગ્રામનું સોનાનું બિસ્કિટ, સોનાની  બે નંગ કડી, ચાંદીના સાંકડા, ચાંદીની પગની બે જોડી કેડી સહિતની મતા ચોરી ગયા હતા. ફરિયાદી મનીષ રુપેન્દ્રકુમાર શર્મા પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા તે અરસામાં તસ્કરોએ ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer