પાણી રોકતી દીવાલ તોડવા ગયેલી ભુજ સુધરાઇની ટીમ કાર્યવાહી વિના પરત !!

ભુજ, તા. 16 : કચ્છ યુનિવર્સિટી દ્વારા બનાવાયેલી એ દીવાલ તોડવા ગયેલા ભુજ સુધરાઇના સત્તાધીશોને યેનકેન કારણોસર પરત ફરવું પડયું હતું.  સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર યુનિવર્સિટી નજીક આવેલી કોલોનીના રહેવાસીઓ દ્વારા સુધરાઇના અધિકારી-પદાધિકારીને રજૂઆત કરતાં જણાવ્યું કે, યુનિ. દ્વારા બનાવાયેલી દીવાલ અને નખાયેલા પાઇપને પગલે કચરો એકત્ર થશે અને વરસાદ સમયે પાણી અવરોધાશે તેમજ એ પાણી સોસાયટીમાં પરત ફરે તેવી ભીતિ વ્યકત કરી હતી. જેને પગલે સુધરાઇ પ્રમુખ, કારોબારી ચેરમેન સેનિટેશનની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ એ દીવાલ તોડયા વિના જ પરત આવતાં તર્ક-વિતર્ક ઊઠયા હતા. નક્કર કાર્યવાહીને પગલે એ તપાસ અન્ય સ્થળોની જેમ માત્ર મુલાકાત જ બની રહી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર સુધરાઇના સત્તાધીશો દ્વારા લોકસમસ્યા માટે જવાબદારો સામે આજ દિન સુધી કોઇ ઠોસ કાર્યવાહી નથી કરાઇ. પછી તે પાણીના ભૂતિયા જોડાણ હોય કે ગટરલાઇનમાં આડસ ભરાવી પાણી ચોરી કરાતી હોય કે પછી ગટરલાઇનો વરસાદી નાળાંમાં ખુલ્લી મુકાઇ હોય. અનેક શહેરીજનોને મુશ્કેલીમાં મૂકતાં કામો હોવા છતાં પગલાં લેવામાં સુધરાઇ હંમેશાં પાણીમાં બેસી જતી હોવાની છાપ ઊભી થઈ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer