કોરિયાણી પાસે કુહાડી અને લાકડી વડે થયેલા હુમલામાં બે નવયુવાન ઘવાયા

ભુજ, તા. 16 : લખપત તાલુકાના કોરિયાણી ગામ નજીક નાના છોકરાઓના ઝઘડા અન્વયે મામલો વધી પડતાં કુહાડી અને લાકડીઓ જેવા હથિયારોથી થયેલા હુમલામાં ગામના પ્રવીણાસિંહ રાણાજી સોઢા (ઉ.વ.19) અને જાલુભા તેજમાલજી સોઢા (ઉ.વ.20) જખ્મી થયા હતા. તો બીજીબાજુ ભુજ તાલુકામાં લેર ગામ પાસે આશાપુરા કંપનીના દરવાજાની બહાર દારૂ વિશે પોલીસને બાતમી આપવાના મુદે બનેલી હુમલાની ઘટનામાં ભુજોડીના સામજી નારાણ મંગરિયા (ઉ.વ. 36) અને શૈલેશ છગનભાઇ પાયણ (ઉ.વ.32) ઘવાયા હતા.પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કોરિયાણી ગામ પાસેના મામલામાં ઘાયલ થયેલા પ્રવીણાસિંહ સોઢા અને જાલુભા સોઢાને દયાપરથી વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ભોગ બનનારાએ હુમલો કરવાવાળા તરીકે ભાણજી મહોબતાસિંહ સોઢા, વિક્રમાસિંહ ભાણજી સોઢા, ઉમેદાસિંહ ભાણજી સોઢા, મહાવીરાસિંહ ભાણજી સોઢા, મંગલાસિંહ સુરતાજી અને રાસુભા સામંતાસિંહના નામ પ્રાથમિક તબકકે પોલીસ સમક્ષ લખાવાયા છે. છોકરા બાબતે થયેલી તકરાર અન્વયે હુમલાની આ ઘટના બન્યાનું લખાવાયું છે. બીજી બાજુ લેર ગામે આશાપુરા કંપનીની બહાર પાઇપ વડે થયેલા હુમલામાં જખ્મી થયેલા સામજી મંગરિયા અને શૈલેશ પાયણને પણ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બન્નેએ લખાવેલી વિગતોને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે દારૂ બાબતે પડાયેલા દરોડાની બાતમી આપવાના મુદે ધીરૂ ઇશા કોળી, મોહન રમેશ કોળી અને દિનેશ ગોપાલ સંજોટે આ હુમલો કર્યો હતો.  - પાનેલી ખાતે પણ હુમલો  : દરમ્યાન નખત્રાણા તાલુકાના પાનેલી ગામે આજે સવારે દયાપરના હનીફ ઇશાક કુંભાર (ઉ.વ.28) પર હુમલાની ઘટના બની હતી. અહીં પાણીનું ટેન્કર લઇને કેમ આવ્યો છે તેમ કહીને પરાક્રમાસિંહ અને બાલો તરીકે ઓળખાવાયેલા શખ્સે બીજા માણસો સાથે મળી હુમલો કર્યો હોવાનું પોલીસ સમક્ષ લખાવાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer